રાજકોટ
News of Tuesday, 13th July 2021

સૂચિતમાં આજથી ૨૮૦૦ મકાનો અંગે કલેકટરની ટીમોની ઝુંબેશ : વધુ ૩ હજાર મીલકતો ઉમેરાશે : ૮ સોસાયટી અંગે દરખાસ્ત

૧ મહિનો કામચાલશે : દરેક પ્રાંત - મામલતદારને કેલેન્ડર મુજબ કામગીરી અપાઇ... : સૂચિતમાં અનેક નેગેટીવ બાબતો : ખાલી પ્લોટનું શું ?! : લોનનું શું ?! : બાંધકામ રેગ્યુલાઇઝ નથી તેનું શું ? : ૧૫ વર્ષ સુધી વેચી ન શકાય તે મોટો વિવાદ

રાજકોટ તા. ૧૩ : રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ડાયરેકટ સૂચના બાદ રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજથી સૂચિત અંગે ઝુંબેશ શરૂ કરી છે, આજે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજ સુધીમાં રાજકોટમાં ૧૬૭ સોસાયટીમાંથી કુલ ૮ હજાર મીલકતોમાંથી ૪૫૮૦ જેટલી મીલકતો રેગ્યુલાઇઝ કરાઇ છે, અને બીજા ૨૮૦૦ મકાનો - મીલકતો અંગે અમે ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાવી આજથી ઝુંબેશ શરૂ કરી છે, અને બીજા ૩ હજાર જેટલા મકાનો - મીલકતો ઉમેરાશે તેમજ ૮ જેટલી નવી સૂચિત સોસાયટી અંગે દરખાસ્તો થશે.

કલેકટરે જણાવેલ કે, અમારી ઝુંબેશ ૧ મહિનો ચાલશે, તે માટે દરેક મામલતદાર - પ્રાંતને સૂચના અપાઇ છે, તેમના નાયબ મામલતદારો - તલાટી - સર્વેયરોની ટીમો જે મકાન - ફલેટ - મીલકતો રેગ્યુલાઇઝ નથી થયા તેમના ઘરે જઇ રૂ. ૩૦૦ની ફી ભરાવવી, ફોર્મ ભરાવવા, જમીનની માપણી, કેટલા વર્ષથી રહે છે, કોર્પોરેશન, વીજ તંત્રના ટેકસ, બીલ ભરે છે કે કેમ તે સહિતની બાબતો ચકાસી તે લોકોને મીલકતો રેગ્યુલાઇઝ કરાવવા અંગે સમજાવશે અને નાણાકીય વ્યવસ્થા - લોન તથા સનદ સહિતની કાર્યવાહી કરશે, આ માટે કેલેન્ડર વાઇઝ કામગીરી સોંપાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે સૂચિતની કામગીરી છેલ્લા ૫ વર્ષથી ચાલે છે, કટ ઓફ ડેઇટ ૨૦૦૫ની છે, તે પહેલાની મીલકતો રેગ્યુલાઇઝ કરવા સરકારે પરિપત્ર ડીકલેર કરેલો છે, પરંતુ ખાટલે મોટી ખોટ સમાન સૂચિતમાં કોઇ આસામીએ ખાલી પ્લોટ રાખ્યો હોય તો તે રેગ્યુલાઇઝ કરવાનું કોઇ પ્રાવધાન નથી, કોઇ બેંક લોન દેતી નથી, લાખો રૂપિયા કેમ કાઢવા તે પ્રશ્ન છે, ખાલી જમીન રેગ્યુલાઇઝ થાય છે, બાંધકામ રેગ્યુલાઇઝ અંગે કોઇ નિયમ નથી અને મીલકત રેગ્યુલાઇઝ થયા બાદ ૧૫ વર્ષ સુધી વેચી ન શકાય તેવો નિયમે મોટો વિવાદ જગાવ્યો છે તે લટકામાં !!

(3:17 pm IST)