રાજકોટ
News of Saturday, 13th November 2021

મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ કાલે બૂથ ઉપર ઝુંબેશ

ડે. કલેકટરો-મામલતદારોને જવાબદારીઃ રર૪ર મતદાન મથકોઃ રર લાખથી વધુ મતદારો

રાજકોટ તા. ૧૩: રાજકોટ સહિત હાલ રાજયભરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ૧લી નવેમ્બરથી શરૂ થયેલ આ કાર્યક્રમ તા. ૩૦ સુધી ચાલશે.

દરમિયાન આવતીકાલે રાજકોટ શહેર-જીલ્લામાં મતદાન મથકો ઉપર મતદાર યાદીમાં નામ ઉમેરવા-કમી-સુધારણા માટે ખાસ ઝુંબેશ યોજાશે, કુલ રર૪ર મતદાન મથકો ઉપર BLO  ની ઉપસ્થિતિમાં સવારે ૧૦ થજી સાંજે પ સુધી કાર્યવાહી થશે.

આ ઝુંબેશ સંદર્ભે કલેકટર દ્વારા જે તે વિસ્તારના તમામ ડે. કલેકટરો-મામલતદારોને ખાસ જવાબદારી સોંપાઇ છે, મતદાર યાદી પ્રસિધ્ધ થઇ તે સમયે રર લાખ ૩૩ હજાર મતદારો નોંધાયેલા છે, એક મહિનાની ઝુંબેશમાં પપ થી ૬૦ હજાર નવા મતદારો ઉમેરાશે.

કલેકટર દ્વારા તાજેતરમાં આ બાબતે રાજકીય પક્ષોની મીટીંગ બોલાવાઇ હતી, તેમાં પણ લાયકાતવાળા વ્યકિતનું નામ મતદાર યાદી નોંધણીમાં ન રહી જાય તે જોવા ખાસ સહયોગ મંગાયો હતો, કાલે બુથ ઉપર ખાસ ઝુંબેશ બાદ તા. ર૧, ર૭, અને ર૮મીએ પણ ખાસ ઝુંબેશ હાથ ધરાશે, તમામ BLO ને પોતાના બુથ ઉપર સમયસર પહોંચી જવા આદેશો કરાયા છે. (૭.ર૭)

 

 

પારડીમાં એકલવાયા જીવનથી કંટાળી જઇ ૭૫ વર્ષના રસિકભાઇ બકરાણીયા સળગ્યા

ગંભીર રીતે દાઝી જતાં સારવાર

માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૩: લોધીકાના પારડી ગામે રહેતાં રસિકભાઇ કુંવરજીભાઇ બકરાણીયા (સુથાર) (ઉ.વ.૭૫) નામના વૃધ્ધે રાતે સાડા અગિયારેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ એન્ટ્રી નોંધી લોધીકા પોલીસને જાણ કરી હતી.

રસિકભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા છે. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમના સગાના કહેવા મુજબ રસિકભાઇના પત્નિનું આગઉ અવસાન થયું હોઇ તેઓ ત્યારથી એકલવાયા જેવુ જીવન જીવતા હતાં. પુત્ર સહિતના પરિવારજનો બાજુમાં જ રહે છે. એકલાવાયા જીવન અને શ્વાસની બિમારીથી કંટાળી જઇ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું.

વિછીયામાં આરતી

ચુલામાં ભડકો થતાં દાઝી

વિછીયા રહેતી આરતી કાંતિભાઇ ડાભી (ઉ.૨૦) ચુલામાં રસોઇ બનાવતી વખતે ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ છે. તેણી બે ભાઇથી મોટી છ. અકસ્માતે દાઝી ગયાનું પરિવારજનોએ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવતાં વિછીયા પોલીસને જાણ કરાઇ હતી.

ધારીના જીરા ગામે ૯૫

વર્ષના સોનાબેન દાઝયા

ધારીના જીરા ગામે રહેતાં સોનાબેન વલ્લભભાઇ ટાંક (ઉ.વ.૯૫) દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. વૃધ્ધા એકલા જ રહે છે. પાણી ગરમ કરતી વખતે ઝાળ લાગતાં દાઝી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(12:00 pm IST)