રાજકોટ
News of Saturday, 13th November 2021

ભવાનીનગરમાં નશાખોર હકાનો ભાવેશ સાથે ડખ્ખોઃ છોડાવવા આવેલા વિજય સહિત ત્રણને ફટકાર્યાઃ હકાના વાહનમાં તોડફોડ

ઘાયલ થયેલા વિજયને હોસ્પિટલે ખસેડવો પડ્યોઃ એ-ડિવીઝન પોલીસે હકાને પીધેલો પકડી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૧૩: રામનાથપરા ભવાનીનગરમાં રાત્રીના સમયે એક બાવાજી શખ્સે નશો કરી પડોશી સાથે ઝઘડો ચાલુ કરતાં ભવાનીનગરનો ઓડ યુવાન અને તેનો ભાઇ તથા મિત્ર તેને ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ આ ત્રણેયને માર મારી એકને માથામાં ઇંટ ફટકારી દીધી હતી. આ ડખ્ખાને પગલે બે વાહનમાં પણ તોડફોડ થઇ હતી. પોલીસે નશાખોર બાવાજી શખ્સને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવને પગલે પોલીસની ત્રણ ગાડીઓ પહોંચી ગઇ હતી.

આ બનાવમાં પોલીસે હુમલામાં ઘાયલ થયેલા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા રામનાથપરા ભવાનીનગર મેઇન રોડ પર ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતાં અને છુટક મજૂરી કરતાં વિજય ઉર્ફ બચ્ચન ગોરધનભાઇ ચોૈહાણ (ઓડ) (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ભવાનીનગરના જ ચંદ્રેશ ઉર્ફ હકો બાબુભાઇ કેસરાણી સામે ગુનો નોંધ્યો છે.

વિજય ઉર્ફ બચ્ચને પોલીસને જણાવ્યું છે કે હું રાતે સવા અગિયારેક વાગ્યે રામનાથ મંદિર ચોક પાસે હતો ત્યારે ચોકમાં રહેતાં ભાવેશભાઇ જાદવ અને ચંદ્રેશ ઉર્ફ હકો બોલાચાલી કરતાં હોઇ હું  તથા મારો ભાઇ વિશાલ ઉર્ફ વિશુ, મિત્ર મોહસીન ઉર્ફ ભેંસ ત્યાં તેને છોડાવવા માટે અને સમજાવવા માટે જતાં હકાએ અમને ગાળો દીધી હતી અને 'અહિથી જતાં રહો નહિતર તમને મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી અને મને હકાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ રસ્પા પરથી પથ્થર કે ઇંટ ઉઠાવી મારા માથામાં મારી દેતાં લોહી નીકળ્યા હતાં.

મારો ભાઇ વિશાલ અને મિત્ર મોહસીન વચ્ચે પડતાં તેની સાથે પણ હકાએ ઝપાઝપી કરી હતી. લોકો ભેગા થઇ જતાં અમે જતાં રહ્યા હતાં. મને માથામાં ઇજા થઇ હોઇ પત્નિ જ્યોત્સના અને બહેન નમ્રતાએ મને એકટીવામાં બેસાડી હોસ્પિટલે ખસેડ્યો હતો. ચંદ્રેશ ઉર્ફ હકો અને ભાવેશ ઝઘડો કરતાં હોઇ હું છોડાવવા જતાં મારા પર હુમલો થયો હતો. હેડકોન્સ. વી. બી. ધાણજાએ ફરિયાદ નોંધી હતી.

ઉલ્લેખનિય છે કે વિજય ઉર્ફ બચ્ચન પર હુમલો થયા બાદ કેટલાક શખ્સોએ બે ટુવ્હીલરમાં તોડફોડ કરી હતી. આ વાહન ચંદ્રેશ ઉર્ફ હકાના હતાં. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હોઇ અને વાહનમાં તોડફોડ થઇ હોઇ પોલીસની ત્રણ ગાડીઓ દોડી ગઇ હતી. પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતના સ્ટાફે મોડી રાતે ચંદ્રેશ ઉર્ફ હકો બાબુભાઇ કેસરાણી (બાવાજી) (ઉ.૪૩-રહે. રામનાથ મંદિર સામે ભવાની નગર)ને નશો કરેલી હાલતમાં પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

(12:03 pm IST)