રાજકોટ
News of Saturday, 13th November 2021

સોમવારે દેવદિવાળી : ઠાકોરજી - તુલસીજીના વિવાહનો મંગલ અવસર

દેવ વિવાહનો ચોમેર અનેરો ઉમંગ : ભાવિકો જાનૈયા અને માંડવીયા બનવાનો લ્હાવો લેશે : ફટાકડા બજારમાં એક દિવસીય રોનક ખીલશે : શેરડીની બજારો ધમધમતી થશે

રાજકોટ તા. ૩: સોમવારે કારતક સુદ એકાદશીના દેવ દિવાળીનું પર્વ ઉજવાશે. આ એકાદશીને દેવ ઉઠી એકાદશીથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શાલીગ્રામ સ્વરૂપ ઠાકોરજી અને તુલીસીજીના વિવાહનો પ્રસંગ મનાવવામાં આવે છે. આમ દેવ વિવાહનો પ્રસંગ મનાવી વર્ષભરના માંગલીક પ્રસંગોની શરૂઆત કરાતી હોય છે.

સોમવારે દેવ દિવાળી હોય ઉત્સવી આયોજન માટે ભાવિકો અધીરા બન્યા છે. શાલીગ્રામ સ્વરૂપ ઠાકોરજી અને છોડ સ્વરૂપ તુલસીજીના લગ્નનો પ્રસંગ ઉજવાશે. ભાવિકો જ જાનૈયા બનશે અને ભાવિકો જ માંડવીયા બનશે. શેરડીના સાઠાનો મંડપ રચી આસોપાલવના તોરણો બંધાશે. દેવોના વિવાહના અવસરને વધાવવા ભાવિકોમાં અનેરો તલસાટ પ્રવર્તી રહ્યો છે.

આ દિવસે ફટાકડાની એક દિવસીય આતશબાજી ફરી જામશે. ફટાકડા બજાર થોડીવાર માટે ફરી ધમધમશે.

દરયિમાન શેરડીના પાકનો પ્રથમ ફાલ બજારમાં મુકવા માટે પણ આ દિવસ પસંદ કરાય છે. એટલે કાલે શેરડીના વેંચાણનું શુકન સાચવવા બજારોમાં ઢગલાબંધ શેરડીઓ ઠલવાશે.

તુલસી કયારે શેરડીના સાઠા મુકી દિપપ્રાગટય કરવાની પરંપરા પણ આપણે ત્યાં હજુ જળવાતી આવી છે.

મંદિરોમાં અને વિવિધ સંસ્થા મંડળો દ્વારા તુલસી વિવાહના આયોજનો પણ થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

કૈલાસધામ આશ્રમ નાનામવા

નાના મૌવા ખાતે આવેલ ભગવાન જગન્નાથજી મંદિર, ખોડીયાર મંદિર પરિસર શ્રી કૈલાસ ધામ આશ્રમમાં તા. ૧પ ના સોમવારે તુલસી વિવાહનું આયોજન કરાયુ છે. શનિવારે સવારે મંડપવિધિ, સાંજે ૬ વાગ્યે ભોજન પ્રસાદ, રાત્રે ૭.૩૦ વાગ્યે રાસ ગરબા રાખેલ છે. જયારે તા. ૧૪ ના રવિવારે સવારે ૮ વાગ્યે જાન નાનામવાથી પ્રસ્થાન કરશે. જે ઉત્તર પ્રદેશના રાજવટ વ્યાસ મંદિર રોડ પર કાલધી ધામ ખાતે જશે. ત્યાં તા. ૧૫ ના સોમવારે રાત્રે ૯ વાગ્યે શાલીગ્રામ ભગવાન અને તુલસીજીની વિવાહ વિધિ સંપન્ન થશે. સમસ્ત નાનામૌવા ભકતગણમાં અનેરા આનંદની લાગણી પ્રસરી હોવાનું કૈલાસધામ આશ્રમની એક યાદીમાં જણાવાયુ છે.

રામેશ્વર મહાદેવ મંદિર

રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ, તુલસી વિવાહ સમારોહ સમિતિના સંયુકત ઉપક્રમે તા. ૧૫ ના સોમવારે સાંજે ૪ વાગ્યે જીવનનગર શેરી નં. ૪, અનિલ જ્ઞાન મંદિર પાછળ, રૈયા રોડ ખાતે આવેલ મહાદેવધામના પટાંગણમાં તુલસી વિવાહનું આયોજન કરાયુ છે. પૂર્વ દિને તા. ૧૪ ના રવિવારે સાંજે પ વાગ્યે સાંજીના ગીત સત્સંગ અને દિપમાલા થશે. જયારે સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે મંડપ રોપણ થશે. સાંજે ૪ વાગ્યે વિવાહ વિધિ થશે. જાન પક્ષે સ્મીતાબેન કાચા, પ્રવિણભાઇ કાચા, દીપ - પ્રિયા કાચા પરિવાર તેમજ કન્યા પક્ષે બકુલભાઇ ધનજીભાઇ સવાણી પરિવાર લ્હાવો લેશે. મંદીરના સહવ્યવસ્થાપક વિનોદરાય ભટ્ટ, સુનિતાબેન વ્યાસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભગવાનના સામૈયા, પધરામણી, પહેરામણી, હસ્તમેળાપ સહીતના પ્રસંગોમાં ધર્મપ્રેમીજનો ઉમંગથી જોડાશે.

પાળમાં જાજરમાન પ્રસંગ

પાળ ગામે પ્રગટ પિરાણું સંત શ્રી આંબેવ પીર બાપાના આંગણે તા. ૧૫ ના સોમવારે જાજરમાન તુલસી વિવાહનું આયોજન થયુ છે. ઠાકોરજી હેલીકોપ્ટરમાં બેસી લાપાસરી ગામે પરણવા જશે. રજવાડી ઘોડા, હાથી તેમજ બળદગાડા અને  બેન્ડની સુરાવલીઓ આકર્ષણ જમાવશે. કન્યાદાનનો લ્હાવો લાપાસરીના શ્રી લાભુભાઇ મેરામભાઇ જળુ (આહીર) લેશે. માંગલિક પ્રસંગોમાં તા. ૧૪ ના રવિવારે સવારે ૧૦ વાગ્યે મંડપ મુહૂર્ત, સાંજે ૪ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૮ વાગ્યે ફુલેકુ યોજવામાં આવશે. બાદમાં રાત્રે ૯ વાગ્યે લોકડાયરો રાખેલ છે. જેમાં ભોજાભાઇ ભરવાડ, આકાશ નવડીયા, ભુમિબેન આહીર અને સંગીતવૃંદ ભાગ લેશે. સોમવારે બપોરે ૨ વાગ્યે જાન લાપાસરી લાભુભાઇ જળુને ત્યાં માંડવે જવા પ્રયાણ કરશે. મંગલ તુલસી વિવાહના અવસરને લઇને ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

(3:26 pm IST)