રાજકોટ
News of Saturday, 13th November 2021

આતુરતાનો અંત.... પાણી પ્રશ્ન હલ થશે

ઘંટેશ્વર - માધાપર - મનહરપુરમાં ૨૫.૯૦ કરોડના ખર્ચે પાઇપલાઇન બિછાવાશે

નવા ભળેલા વિસ્તારવાસીઓને પીવાના પાણીની સુવિધા મળશે : ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા : સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગ માંકડે આપી વિસ્તૃત માહિતી

રાજકોટ તા. ૧૩ : મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારો ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુરમાં આગામી દિવસોમાં પીવાના પાણીની નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનમાં નવા ભળેલા વિસ્તાર ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુરમાં, વોર્ડ નં.૧માં ઘંટેશ્વર-નાગેશ્વર વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક કરવાનું કામ, ઘંટેશ્વર ગમતળ તથા લગત જામનગર રોડ પરના વિકસિત વિસ્તારોમાં ૧૦૦, ૧૫૦, ર૦૦, ર૫૦, ૩૦૦ એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન નેટવર્ક કરવાનું કામ, ઘંટેશ્વર વિસ્તારમાં હયાત નેટવર્કમાં સુધારા વધારા તથા નિભાવ મરામતનું કામ, ઘંટેશ્વર-વર્ધમાનનગર વિસ્તારમાં પાઇપ લાઇન નેટવર્ક સુધારા-વધારા કરવાનું કામ, રૈયાધાર ઇ.એસ.આર. મચ્છુનગર આવાસ ન્યુ ગાર્બેજ સ્ટેશનથી જામનગર હાઇવે રોડ સાઇડથી ઘંટેશ્વર એફ.સી.આઇ. ગોડાઉન રોડ, ઇ.એસ.આર. સુધી ૪૦૦ એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનું કામ તથા એસ.આર.પી. કેમ્પ ગ્રુપ-૧૩ કેમ્પસમાં ૧૦૦, ૧૫૦ અને ર૦૦ એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન નેટવર્ક 'જનભાગીદારી યોજના' હેઠળ તૈયાર કરવાનું કામ વોર્ડ નં.૦૯માં મુંજકામાં આવેલ ટીટોડીયાપરા તથા આવાસ યોજના માટે ૧૦૦ થી ૩૦૦ એમ.એમ. ડાયાની ડી.આઈ. પાઈપલાઈન નાંખવાનું કામ, મુંજકા વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ, સંજય વાટીકા તથા પ્રશીલ પાર્કમાં ૩૦૦ મી.મી. થી ૧૦૦ મી.મી. ડાયાની ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનું કામ તથા વોર્ડ નં.૧૧માં મોટામવા નવાં ભળેલા વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ(ફેઇઝ-૧). મોટામવા નવા ભળેલા વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ(ફેઇઝ-૨) એમ આશરે કુલ રૂ.૨૫.૯૦ કરોડના વિકાસકામોના ડી.પી.આર તૈયાર થયા બાદ હાલમાં ટેન્ડર પ્રક્રિયામાં છે.

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થાયી સમિતિની મંજુરી મળ્યેથી, નવા ભળેલા વિસ્તારો ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુરમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવશે તેમજ આગામી દિવસોમાં નવા ભળેલ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહેશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડએ જણાવેલ છે.

(3:29 pm IST)