રાજકોટ
News of Saturday, 13th November 2021

કાલે શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા રાજકોટમાં: મેયરનાં વોર્ડમાં ૯.૪૦ કરોડનાં વિકાસ કામોનું ખાતમુહુર્ત

રાજકોટ તા. ૧૩ :.. રાજયનાં શહેરી વિકાસ વિભાગનાં મંત્રી વિનોદભાઇ મોરડીયા આવતીકાલે રાજકોટ આવનાર છે. ત્યારે મંત્રીશ્રીનાં હસ્તે મેયર પ્રદિવ ડવ જયાંથી ચૂંટાયા છે તે વોર્ડ નં. ૧ર નાં વાવડી વિસ્તારમાં ૪ જેટલા મુખ્ય રસ્તાઓનાં પેવર કામનાં ખાતમૂહૂર્ત થનાર છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં.૧રમાં વાવડી વિસ્તારનાં રસુલપરા, કાંગશીયાળી રોડને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૨.૭૩ કરોડના ખર્ચે, ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક થી વાવડી ગેઇટ તરફના ૧૮.૦૦ મી. ટી.પી. રોડને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૨.૫૪ કરોડના ખર્ચે, ફાલ્કન પંપ રોડ થી સત્યનારાયણ વે બ્રીજ તરફના રસ્તાને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૧.૧૨ કરોડના ખર્ચે, વાવડી વિસ્તારમાં ગોપાલ હોટલ થી ગોંડલ રોડને જોડતા રસ્તાને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૨.૦૫ કરોડના ખર્ચે, ગોંડલ રોડ ટાટા શો-રૂમ થી પુનમ ડમ્પર તરફના ૧૫.૦૦ મી. ડી.પી. રોડને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૦.૯૬ કરોડના ખર્ચે મળી, કુલ રૂ.૯.૪૦ કરોડના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા ના  હસ્તે આવતીકાલે તા.૧૪ ના રોજ સવારે ૧૧ કલાકે ફાલ્કન ચોક, PGVCL રોડ, વાવડી ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ પ્રસંગે સાંસદશ્રી, ધારાસભ્ય, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

(3:49 pm IST)