રાજકોટ
News of Saturday, 13th November 2021

કોરોના કેસ વધતા મનપા તંત્ર થયુ સાબદુઃ ટેસ્ટીંગ માટે ૧૧ ટીમો મેદાનમાં

કાલથી આરોગ્ય વિભાગની ટીમો એસ.ટી બસ સ્ટેન્ડ, રેલ્વે, એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ કરશેઃ હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળઃ હાલ કેસ વધે છે પરંતુ ગંભીર સ્થીતી નથી છતાં સાવચેતી જરૂરીઃ અમિત અરોરા

રાજકોટ,તા.૧૩: શહેરમાં દિવાળીનાં તહેવાર બાદ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. છેલ્લા સતત પાંચ દિવસથી દરરોજ કેસ સામે આવતા મનપા તંત્ર હરકતમાં આવ્યુ છે. આવતીકાલથી એસ.ટી બસ સ્ટેન્ડ, એરપોર્ટ તથા રેલ્વે સ્ટેશન પર આરોગ્યની ૧૧ ટીમો દ્વારા મુસાફરોનું સ્ક્રિનીંગ અને જરૂર પડે તો ટેસ્ટીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ હતુ કે, શહેરમાં હાલ કેસ વધી રહ્યા છે પરંતુ ગંભીર ચિંતા સ્થિતી નથી છતા સાવચેતી જરૂરી છે ત્યારે આવતી કાલે આરોગ્ય વિભાગની ૧૧ ટીમો દ્વારા એસ.ટી બસ સ્ટેન્ડ, એરપોર્ટ તથા રેલ્વે સ્ટેશન પર  મુસાફરોનું સ્ક્રિનીંગ કરવામાં આવશે અને જરૂર લાગે તો મુસાફરોનું ટેસ્ટીંગ પણ કરવામાં આવશે.

ગઇકાલે બે કેસ નોંધાયા

શહેરનાં વોર્ડ નં.૮માં યોગી નિકેતનમાં આવેલા એક જ એપાર્ટમેન્ટમાં બીજા અને ત્રીજા માળે રહેતા ૫૬ અને ૫૮ વર્ષીય પુરુષો કોરોના સૅક્રમીત થતા આરોગ્ય વિભાગ દોડી ગયુ છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બન્ને દર્દીઓએ વેકસીનનાં ડોઝ લીધા છે.

બપોર સુધીમાં '૦' કેસ

 આ અંગે મનપાની આરોગ્ય શાખાની સત્તાવાર માહિતી મુજબ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૫૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૮૮  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૬૯૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૫૮,૫૭૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૫૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૪  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે.

(3:52 pm IST)