રાજકોટ
News of Saturday, 13th November 2021

રાજકોટમાં વડોદરાની યુવતી પર બળાત્કાર ગુજારનાર એન્જીનિયર જીજ્ઞેશની ધરપકડ

એ ડિવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ એસ.સીેએસ.ટી. સેલને સોંપાઇ

રાજકોટ તા. ૧૩ : મૂળ કોડીનારની અને હાલ વડોદરા રહેતી યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટની હોટલમાં બળાત્કાર ગુજારનાર કોડીનારના પીપળી ગામના સિવિલ એન્જીનિયરની એ ડીવીઝન પોલીસેગુન્હો નોંધી તેની અટકાયત કરી તપાસ એસ.સી.એસ.ટી. સેલના એ.સી.પી.ને સોંપાઇ છે.

મળતી વિગત મુજબ કોડીનારમાં રહેતી યુવતી અગાઉ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી હતી ત્યારે આરોપી તેનો સીનીયર હતો. જેને કારણે બંને વચ્ચે પરીચય થયો હતો. અને તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી ર૦૧૭ની સાલમાં યુવતી જયારે રાજકોટમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવી ત્યારે આરોપી જીજ્ઞેશને જાણ કરતા તે પણ કોડીનારથી રાજકોટ આવ્યો હતો. ઇન્ટરવ્યુ પુરો થયા બાદ જીજ્ઞેશ તેને માલવીયા ચોકમાં આવેલી હોટલમાં લઇ ગયો હતો જયાં બન્ને રાત રોકાયા હતા રાત્રે જીજ્ઞેશે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ જીજ્ઞેશે તેની સાથે લગ્ન કરશે તેવુ કહેવાનું ચાલુ રાખ્યુ હતુ઼ બાદ બંને રાજસ્થાન, ગોવા અને મનાલી વગેરે સ્થળે ફરવા ગયા હતા.ત્યારે પણ જીજ્ઞેશ અવાર - નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો બાદ છેલ્લે મનાલી ફરીને આવ્યા બાદ જીજ્ઞેશે 'તુ બીજી જ્ઞાતીની છો એટલે મારા પરિવારજનો તારી સાથેના લગ્ન નહી સ્વીકારે' તેમ કહી લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ યુવતીએ વડોદરા મહિલા પોલીસમાં અરજી કરી હતી. પરંતુ ગુન્હાની શરૂઆત રાજકોટથી થઇ હોવાથી વડોદરા મહિલા પોલીસને મોકલી આપી હતી. જયાંથી એ ડીવીઝન પોલીસને અરજી મોકલાતા પ્રાથમીક તપાસ બાદ આરોપી જીજ્ઞેશ વિરૂધ્ધ આઇ.પી.સી.૪૦૬, ૩૭૬ (ર) (એન) અને એટ્રોસીટી એકટ હેઠળની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કોડીનારના પીપળી ગામના જીજ્ઞેશ બનેસિંહ ગોહીલ (ઉ.ર૦)ની અટકાયત કરી તપાસ એસ.સી.એસ.ટી. સેલના એ.સી.પી.ને સોંપવામાં આવી છે. આરોપીએ મોરબીની કોલેજમાં અભ્યાસ કરી સિવિલ એન્જીનિયરની ડીગ્રી મેળવી છે.

(3:52 pm IST)