રાજકોટ
News of Saturday, 13th November 2021

અરવિંદભાઇ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાશે કોમ્પ્યુટર અને ઇલેકટ્રીક વ્યવસાયલક્ષી હુન્નરશાળા

રાજકોટ,તા. ૧૩: આજના કાળમાં શિક્ષણ માટેની જાગૃતિ સમાજના તમામ વર્ગમાં આવી છે પરંતુ યુનિવર્સિટીની પદવી પ્રાપ્ત કર્યા પછી સરકારી નોકરી બધાને મળતી નથી. યુનિવર્સિટીની પદવી પ્રાપ્ત કર્યા પછી અથવા કોઇપણ કારણોસર અભ્યાસ પૂરો કરી શકયા નથી એવા યુવાનો બિન-સરકારી નોકરીમાં મળતાં માત્ર આઠથી દસ હજારના પગારમાં લાચારી અને મોહતાજી અનુભવે છે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક રીતે સક્ષમ નથી. કોરોનાકાળમાં કેટલાય લોકોની નોકરી જતી રહી છે, ધંધા પડી ભાંગ્યા છે.

આવા તમામ લોકોને કોઇ પણ જાતના મૂડી રોકાણ વગર સ્વરોજગારથી આત્મનિર્ભર બનાવવા ટુંકા ગાળાની વ્યવસાયલક્ષી ટેકનીકલ તાલીમ આપવાના ઉદ્દેશથી શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા  કોમ્પ્યુટર અને ઇલેકટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નરશાળા ટુંક સમયમાં શરૂ કરવામાં આવી રહી છે. જ્યાં રોજીંદા ઘરવપરાશના ઇલેકટ્રીક સાધનોની માવજત તથા રીપેરીંગ સરળતાથી શીખવવામાં આવશે.

આ બધા સાધનોનું રીપેરીંગ શીખવાના અભ્યાસક્રમો ખાનગી ટેકનીકલ સંસ્થાઓ અથવા સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં ચાલે જ છે પરંતુ સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં પ્રેકટીકલ જ્ઞાન - અનુભવ મળતા નથી અને ખાનગી સંસ્થાઓમાં ખુબજ તગડી ફી ભરવી પડે છે. ત્યારે અહીં  સાવ સામાન્ય ફીથી આ હુન્નરશાળામાં થિયરીનું જ્ઞાન અને પ્રેકટીકલની કુશળતા બંને સાથે પ્રાપ્ત થશે. બહેનો માટે અલગ બેચની વ્યવસ્થા રાખેલ છે.

પ્લેનેટોરીઅમ બિલ્ડીંગ, રેસકોર્સ, રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી રહેલ આ હુન્નર શાળાની વધુ માહિતી માટે મો. ૯૪૯૯૭૩૫૯૩૫ ઉપર સંપર્ક કરી શકાશે.

આ હુન્નરશાળામાં જોડાવા કોઇ પણ ઉંમરના ભાઇઓ, બહેનો, યુવાનોને અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઈ કથીરિયા અને ટ્રસ્ટી કલ્પકભાઇ મણીઆરની યાદીમાં જણાવે છે. 

(4:13 pm IST)