રાજકોટ
News of Saturday, 13th November 2021

એ-ડિવીઝન પોલીસ સ્ટેશન હવે ડીસીપી ઝોન-૨ જાડેજાના નેજા તળેઃ એસીપી ગેડમનું સુપરવિઝન

રાજકોટ તા. ૧૩: શહેરનો વ્યાપ વધવા સાથે પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ રાજકોટ પોલીસ કમિશનરેટ હેઠળ ચોૈદ પોલીસ સ્ટેશન સમાવિષ્ટ છે. વહિવટી પ્રક્રિયા સરળ બનાવવા અને લો એન્ડ ઓર્ડર ઉપર સજ્જડ સુપરવિઝન થઇ શકે તે માટે આજે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનને ડીસીપી ઝોન-૨ અને એસીપી જે. એસ. ગેડમની નીગેબાની હેઠળ ફાળવવાનો હુકમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યો છે. હમણા સુધી આ પોલીસ સ્ટેશન ડીસીપી ઝોન-૧ના કાર્યક્ષેત્રમાં આવતું હતું. તેમજ સુપરવિઝન એસીપી એસ. આર. ટંડેલ પાસે હતું. શહેરમાં ફરજ બજાવતાં એસીપીના સુપરવિઝન હેઠળ દરેકને ત્રણ ત્રણ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતાં. જ્યારે શ્રી ટંડેલને ચાર અને ગેડમને બે પોલીસ સ્ટેશનનું સુપરવિઝન હતું. હવેથી ટંડેલ પાસેથી એકનું સુપરવિઝન ગેડમ પાસે ટ્રાન્સફર કરી વહિવટી પ્રક્રિયા સરળ અને બેલેન્સ કરવા શ્રી અગ્રવાલ દ્વારા આ હુકમ કરાયાનું જાણવા મળે છે.

(4:14 pm IST)