રાજકોટ
News of Wednesday, 14th April 2021

જાતિ પ્રથા એ ભારત માટે શાપ સમાન : ડો. આંબેડકરજી

હું ધર્મને ચાહુ છું, પણ ધર્મના નામે પાખંડને નહિં : સૌમા ઈશ્વર છે એવું માનનારા અને વ્યવહારમાં મનુષ્યને પશુ સમાન ગણનારા લોકો પાખંડી છે

ડો.ભીમરાવ આંબેડકરનો જન્મ તા.૧૪-૪-૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના સૈનિક છાવણી મહુ ગામે મહાર દલિત સમાજમાં થયો હતો. પિતા રામજીભાઇ માલોજીભાઇ સકપાલ માતા ભીમાબાઇનું તેઓ ૧૪મું સંતાન હતા. દાદા કબીરપંથી હતા. તેમનું મૂળ વતન મહારાષ્ટ્ર રત્નાગીરી જિલ્લાનું અંબાવડે ગામ હતુ. ફઇનું નામ મીરા તથા મોટાભાઇનું નામ આનંદરાવ હતુ.

ઇ.સ.૧૯૦૦ સતારા સ્કુલમાં ભણવા બેઠા ત્યા એક હીરાના પારખુ બ્રાહ્મણ શિક્ષક હતા. વિદ્યાર્થી ભીમરાવની અટક તેના ગામ પરથી આંબેવાડેકર હતી. જે સુધારીને તેમના શિક્ષકે આંબેડકર કરી. ભીમરાવની મોટી મોટી તેજસ્વી આંખો, વિશાલ ભાલપ્રદેશ, ખડતલ બાંધો, સંકલ્પ શકિતથી ભરપુર વ્યકિતત્વ હતુ. એમની અભ્યાસ પ્રત્યેની લગની ધ્યાને લઇ તેમના પિતા મહાન લેખકોના પુસ્તકો તેમના માટે લાવતા.

ઇ.સ.૧૮૯૬માં માતાનું અવસાન થયેલ. પિતા નિવૃત થયા બાદ જીજાબાઇ નામની મહિલા સાથે પુનઃલગ્ન કર્યા. સાવકી માનો સ્વભાવ કર્કસ હતો. ઇ.સ.૧૯૦૬માં દાપોલી ગામના રહીશ ભીખુભાઇ વલાંગકરની પુત્રી રમાબાઇ સાથે તેમના લગ્ન થયા. ડીસેમ્બર ૧૯૦૭માં મુંબઇમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેઓના સન્માન સમારોહમાં દાદા કૃષ્ણજી કેલુસ્કર નામના એક શિક્ષકે ભીમરાવને ભીમરાવને ભગવાન બુધ્ધના જીવન ચરિત્રનું પુસ્તક સપ્રેમ ભેટ આપ્યુ. સંતકબીર પંથના સંસ્કાર હતા તેવામાં ઉકત પુસ્તક તેઓને મળ્યુ. જેના અધ્યયનથી તેમના જીવનમાં ધર્મ પ્રત્યે રૂચિ જાગૃત થઇ. ઇ.સ.૧૯૧૩માં બીએ રાજનિતી અને અર્થશાસ્ત્ર વિષય સાથે એલફિન્સ્ટન કોલેજમાંથી પાસ કરેલ. થોડો સમય વડોદરા રાજયની નોકરી કરી. જેમાં તેઓ દલિત સમાજના હોવાના લીધે ઘણા અપમાન સહન કરવા પડયા. તા.ર-ર-૧૯૧૩ના રોજ પિતાનું અવસાન થવાથી વડોદરા નોકરી છોડી મુંબઇ પરત આવ્યા.

જૂલાઇ ૧૯૧૩માં સયાજીરાવ ગાયકવાડ વડોદરાના સહયોગથી અમેરિકા કોલંબિયા વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ અર્થે ગયા. ગાયકવાડ સરકાર દ્વારા દર મહિને ૨૫ રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. ર જૂન ૧૯૧૫માં એમએ (અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર)ની પદવી પ્રાપ્ત કરી અને પીએચડી માટે નોંધણી કરાવી. વધુ અભ્યાસ અર્થે અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા મે ૧૯૧૭ના નેશનલ ડીવીડન્ડ અમેરિકા દ્વારા પીએચડીની પદવી મેળવી. સપ્ટેમ્બર ૧૯૧૭માં વડોદરા રાજયમાં સૈનિક સચિવ તરીકે નોકરી છોડી દીધી. ઇ.સ. ૧૯૧૮માં સરકારી સિડનહોમ કોલેજ મુંબઇમાં પ્રોફસર તરીકે નોકરીમાં રહ્યા. ઇ.સ.૧૯૨૧માં લંડન યુનિ.માંથી એમએસસીની પદવી પ્રોબ્લેમ ઓફ રૂપી નામે મહાનિબંધ લખી મેળવી.

ત્રણ મહિના જર્મનીમાં રોકાણ કરી ભારત પરત આવી પોતાના પ્રાથમિક વિદ્યાગુરૂ જેણે આંબેડકર અટક ભીમરાવને આપેલ તેમનું તા.૨૬-૬-૧૯૨૪ના રોજ સન્માન કરેલ. દક્ષિણામાં પાંચ પાન, પાંચ લવિંગ, સવા રૂપિયો અને નવી ધોતી વંદન કરી અર્પણ કરેલ. ડો.આંબેડકર એવા ગુણ યાદ રાખનાર વિવેકી હતા.

ઇ.સ.૧૯૨૬માં બચત કરી રૂપિયા પાંચસોમાં લો ઓફ ઇંગ્લેન્ડ પુસ્તક પાંચ ભાગમાં ખરીદ કર્યુ. ઘરને વહેવાર ચલાવવા માટે પણ ત્યારે પૈસા હતા નહી. આવો પુસ્તકો પ્રત્યે પ્રેમ હતો. ઇ.સ.૧૯૨૬માં વિધાનસભા મુંબઇમાં સભ્ય બન્યા. ઇ.સ.૧૯૨૭માં આભડછેટની વિરૂધ્ધ આંદોલન કર્યુ. ઇ.સ. ૧૯૨૮માં ગર્વમેન્ટ લો કોલેજ મુંબઇમાં પ્રાધ્યાપક તથા આચાર્ય તરીકે સેવા આપી.

ડીસેમ્બર ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન (ઇંગ્લેન્ડ) ગયા. તા.૧-૧-૧૯૩૨ ઇંગ્લેન્ડથી મુંબઇ આવ્યા જયા ડો.પી.જી.સોલંકીના પ્રમુખસ્થાને તેઓનું ભવ્ય સન્માન થયેલ. સપ્ટેમ્બર ૧૯૩૨માં દલિતોને અલગ મતાધિકારની સહમતી અંગ્રેજો પાસેથી મેળવી પરંતુ પુના યરવડા જેલમાં ગાંધીજીના ઉપવાસને લીધે પુના કરાર કરી પોતાની વાત પડતી મેલી, ગાંધીજીના પ્રાણ બચાવ્યા. મે-૧૯૩૫માં તેઓના ધર્મપત્ની રમાબાઇનું મૃત્યુ થયુ. તેમણે અનેક સંકટો વેઠી ડો.આંબેડકરના પડછાયા તરીકે કામ કર્ર્યુ તેમને પાંચ સંતાનો થયેલ.

જેમાં પ્રથમ પુત્ર યશવંતરાવ જીવિત રહેલ. બાકી ચાર સંતાનો મૃત્યુ પામેલ તે પૈકી રાજરત્ન નામે પુત્ર હતો તેમના નામે જૂનાગઢમાં દલિતોએ તેમની યાદમાં રાજરત્ન ભવન બનાવેલ છે.

જૂન ૧૯૩૫માં સરકારી લો કોલેજમાં પ્રિન્સીપાલ બન્યા. ઇ.સ.૧૯૪૨માં વાઇસરોયના સભ્યની નિમણુક પછી બાંધકામ વિભાગમાં મજૂર મંત્રી તરીકે નિયુકત થયા. નવેમ્બર ૧૯૪૩માં તેઓ કુશીનગર તથા બોધગયાની યાત્રાએ ગયા હતા. ઓકટોબર ૧૯૪૬માં શુદ્રો કોણ હતા? એ પુસ્તકનું પ્રકાશન કરેલ. ઓગષ્ટ ૧૯૪૭ માં ભારત દેશનું બંધારણ લખવા માટે કમિટીના અધ્યક્ષ તરીકે નિયુકત કર્યા. તા.૨૬-૧૧-૧૯૪૯ના રોજ ભારતનું બંધારણ લખવા માટેની કમિટીના કુલ સભ્યો ૭ હતા જેવા કે ૧. અલાદીન ક્રિષ્નાસ્વામી ર. એન.ગોપાલસ્વામી ૩.ક.મા.મુનશી, ૪. મોહમદ શાર્કુલા પ. બી.એલ.મીટર ૬. ડી.પી અને અધ્યક્ષ તરીકે ડો.આંબેડકર હતા. આ બંધારણ તૈયાર કરતા ર વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ જેટલો સમય લાગ્યો. બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ પુસ્તકનું વજન ૧૩ કિલોનું છે.

ભારતીય સંવિધાન તૈયાર કરી સુપ્રત કરેલ જે તા.૨૬-૧-૧૯૫૦ પ્રજાસતાક દિનથી અમલમાં આવ્યું. જુલાઇ ૧૯૫૧માં ભારતીય બૌધ્ધ મહાસભાની સ્થાપના કરી. તા.૨૯-૦૯-૧૯૫૧માં હિન્દુ કોડ બિલ પસાર ન થતા નહેરૂ મંત્રી મંડળમાંથી રાજીનામું આપી, વિરોધપક્ષના નેતા તરીકે લોકસભામાં રહ્યા.

મે-૧૯૫૨માં કોલંબિયા યુનિ.(અમેરિકા) દ્વારા એલએલડીની માનદ પદવી તેઓને આપવામાં આવી. ઇ.સ.૧૯૫૩માં ઓમાનિયા યુનિ. હૈદરાબાદ દ્વારા ડી.લીટની પદવી મેળવી ડીસેમ્બર ૧૯૫૪માં વર્ડ બુધ્ધિસ્ટ કોન્ફરન્સ રંગુન (બર્મા)માં ભાગ લેવા ગયેલ.

તા.૧૪-૧૦-૧૯૫૬ના રોજ નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે ત્રણ લાખ દલિતો સાથે બૌધ્ધધર્મી દીક્ષાગ્રહણ કરી નવેમ્બર ૧૯૫૬માં કાઠમંડુ (નેપાળ)માં વર્ડ બુધ્ધિસ્ટ કોન્ફરન્સમાં નવબૌધ્ધ તરીકે ડેલીગેટ થયા. ત્યારબાદ બાબાસાહેબ તરીકેનું બિરૂદ મળેલ.

ડો.આંબેડકર ઇ.સ.૧૯૦૭ થી ઇ.સ.૧૯૫૩ સુધીમાં જે ડીગ્રીઓ મેળવી તે આજે ભારતભરનો કોઇ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની મેળવી શકયો નથી. તેમના વાંચન સામે આ યુગના પ્રબુધ્ધ ઓશો સિવાય કોઇને મૂકી શકાય તેમ નથી.

ઓશોએ અંદાજે બે લાખ પુસ્તકોનો અભ્યાસ કરેલ. આજે પુષ્કળ સુખ સુવિધા હોવા છતા શિક્ષિતોનું વાંચન સંતોષકારક ન ગણાય. ડો.આંબેડકરની કલમમાંથી નિકળેલા કેટલાક અમુલ્ય શબ્દો જોઇએ.

૧) જે માનવી પાસે જીવનનું ઉમદા ધ્યેય નથી એવા જીવનને તો હું જીવન જ ગણાતો નથી.

ર) જે વ્યકિતનું અંગત જીવન ખરાબ હોય, એનુ જાહેર જીવન કદાપિ સારૂ હોતુ નથી.

૩) કોઇ ગુલામ તરીકે જન્મતુ નથી, પોતાના ભાગ્યના ઘડવૈયા પોતે જ છે.

૪) માત્ર રોટલા પર માણસ જીવી શકતો નથી, તેને સંસ્કૃતિની પણ જરૂર પડે છે.

પ) હું ધર્મને ચાહું છુ, પરંતુ ધર્મના નામે પાખંડને નહી.

૬) માણસાઇ વિના તમારો વૈભવ વ્યર્થ છે.

૭) સૌમા ઇશ્વર છે એવુ માનનારા અને વહેવારમાં મનુષ્યને પશુ સમાન ગણનાર લોકો પાખંડી છે.

૮) જાતિવિહીન સમાજની સ્થાપના વિના સ્વરાજય પ્રાપ્તિનું કોઇ મુલ્ય નથી.

૯) જેનું મન ખુલ્લુ નથી તે જીવિત હોવા છતા મરેલો છે.

૧૦) જાતિ પ્રથાએ ભારત દેશ માટે એક શાપ સમાન છે.

૧૧) કોણ કેટલુ જીવે છે, એ અગત્યનું નથી પણ કોણ કેવું જીવન જીવે છે એ અગત્યનું છે.

બાબાસાહેબ ૧૨ કલાક સતત વાંચન લેખતમાં મશગુલ રહેતા. ભૂખ તરસની પરવા ન કરતા પેટની ભૂખ કરતા તેમને જ્ઞાનની વધુ ભૂખ હતી. દલિતો દીન દુખિયા, સ્ત્રીઓને ગુલામી તથા ગરીબાઇમાંથી મુકત કરવા પોતાનુ જીવન ખર્ચી નાખ્યુ. ભોજનમાં તેઓ બાજરાનો રોટલો અને લસણની ચટણી લેતા. તેઓને કોઇ પ્રકારનું વ્યસન ન હતુ.

તા.૬-૧૨-૧૯૫૬ દિલ્હીમાં દેહત્યાગ કર્યો. તા.૭-૧૨-૧૯૫૬ મુંબઇમાં અંતિમ સંસ્કાર કર્યો. બાબા સાહેબની અંગત લાયબ્રેરીમાં ૩૬ હજાર પુસ્તકો હતા.

આવા મહામાનવ ઉપર પુષ્કળ સાહિત્ય પ્રગટ થયેલ છે. થોડા પુસ્તકોના નામ નમૂના રૂપે અહી રજૂ કરૂ છુ. બાકી અત્યારે બાબાસાહેબના સાહિત્યથી લાઇબ્રેરીઓ ભરી પડેલ છે. વાંચનાર વર્ગ ટીવી અને મોબાઇલમાંથી નવરો થાય ત્યારે વાંચે ને !

૧) ડો. આંબેડકર ઔર ઓશો - લેખક સંદેશ ભાલેકર, નાગપુર

ર) ભારત કે મહાન સંત ઔર સમાજ સુધારક, લેખક યોગેશ પાંડેય, ઇલાહાબાદ

૩) કાનૂન દાતા આંબેડકર

૪) સમાજ સુધારક આંબેડકર

પ) મુકનાયક આંબેડકર

૬) વિદ્યાપુરૂષ આંબેડકર

૭) મહામાનવ આંબેડકર

ક્રમ ૩ થી ૭ ના પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન અમદાવાદ દ્વારા પ્રગટ થયેલ છે. લેખક રમેશચંદ્ર પરમાર.

૮) યુગમુર્તિ ડો.બાબાસાહેબ આંબેડકર લેખક રાજન પટ્ટણી અમદાવાદ.

ઓશો (ભગવાનશ્રી રજનીશ) દ્વારા આપવામાં આવેલ નીચે જણાવેલ પ્રવચન માળા પુસ્તકોમાં ડો.આંબેડકરને યાદ કરી તેઓની સરાહના કરવામાં આવેલ છે.

૯) મન હી પૂજા મન હી ધૂપ સૈત રૈદાસવાણી

૧૦) મરો હે જોગી મરો સંત ગોરખનાથવાણી

૧૧) મૈને રામ રતન ધન પાયો મીરાબાઇની વાણી

૧૨) બહુ તેરે ઘાટ - અનામત આંદોલન વખતની પ્રશ્નોતરી.

ડો.આંબેડકર વિશે ઓશોએ એક પ્રવચનમાં કહ્યુ કે, દલિતોના દશ હજાર વર્ષના ઇતિહાસમાં ડો.બી.આર.આંબેડકર જેવો બુધ્ધિશાળી વ્યકિત પેદા થયેલ નથી. બીજી એક ચેતવણી આપતા કહ્યુ તેમની પાછળ અહંકારીવાદ અને નફરત ફેલાવનારા ધર્માન્ધ લોકો ઉભા ન થાય તો સારૂ!

બાબાસાહેબ પાસે તો બુધ્ધિનો સાગર હતો. મારી અલ્પબુધ્ધિથી વાત કરૂ તો દલિત સમાજે વિકાસ કરવો હોય તો શરાબ, માંસાહાર, કુરિવાજો, અંધશ્રધ્ધા અને નફરત ફેલાવતી વાણી વગેરેનો ત્યાગ કરી શિક્ષિત થયા પછી સંસ્કારની જાળવણી કરતા શીખવુ પડશે. બીજાને તોડવા કરતા જોડવા તરફ લક્ષ હશે તો દૂધમાં સાકર ભળે તેમ ભળી જશે.

બીજું ગામડે ગામડેથી જે મરેલા ઢોરને ઢસડવાની જૂની પ્રથાને તિલાંજલી આપવી જરૂરી છે. સરકાર ગ્રામ પંચાયત, નગર પંચાયત દ્વારા મરેલા પશુની વ્યવસ્થા કરશે. થોડા લોકોને રોજગારી પણ મળશે. માંસાહાર તરફ અણગમો નહી થાય ત્યા સુધી આ કાર્ય થશે નહી. દલિતોને ધર્મનો બોધ આપતા ગૂરૂવાઓ ખૂદ માંસાહારી છે. બધા સંતો શરાબ અને માંસાહારનો નિષેધ કરે છે. વેરથી વેર સમતું નથી એ ભગવાન બુધ્ધનું સુત્ર યાદ કરીએ. બીજું અપ્પો દીપો ભવ પ્રબુધ્ધનો સંગ કરી સ્વધર્મ જાણી જાગરણ તરફ પ્રયાણ કરી આપણું તથા સર્વેનું કલ્યાણ કરીએ એ જ અભ્યર્થના. મૈત્રીભાવ પ્રગટે તેવી પ્રાર્થના. વિશ્વ વિભૂતી બાબાસાહેબને હરિદાસના પ્રણામ.

ઓશો સન્યાસી સ્વામી હરિદાસના પુસ્તક મેરી નજરે મોતી આયા માંથી આભાર.

સંકલન

સ્વામિ સત્યપ્રકાશ

(2:59 pm IST)