રાજકોટ
News of Friday, 14th May 2021

ભેદી આગમાં વર્ષાબા ભડથું: પતિ યોગીરાજસિંહે સળગતી હાલતમાં બહાર ભાગી 'મારા દિકરા-દિકરીને બચાવો'...એવી બૂમો પાડીઃ પત્નિએ સળગાવ્યાનું રટણ

રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપની ઘટનામાં એફએસએલને સાથે રાખી ઘટના સ્થળે તપાસઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ : ગોંડલ માવતર ધરાવતાં વર્ષાબાના આઠ વર્ષ પહેલા લગ્ન થયા'તાઃ મોટી દિકરી થોડા દિવસ પહેલા જ મામાના ઘરે ગોંડલ ગઇ હતીઃ ઘટના હત્યાની કે આપઘાતની? તેનું રહસ્ય ઉકેલવા તપાસ : ૭ વર્ષની દિકરી કૃતિકાએ કહ્યું-હું તો સુતી હતી, અચાનક જાગી તો ધૂમાડો જોયો અને દાઝી ગઇઃ આગ કેમ લાગી એ ખબર નથી : ૩ાા વર્ષનો ઉર્વરાજ ઘોડીયામાં સુતો હતોઃ તે હાથમાં સ્હેજ દાઝી ગયો : સિકયુરીટીમાં નોકરી કરતાં પતિ યોગીરાજસિંહ પણ વધુ દાઝયા છેઃ તેણે રણટ કર્યુ-પત્નિએ પોતાના પર કેરોસીન છાંટી મારા પર ઉડાડ્યું ને કાંડી ચાંપીઃ સંપુર્ણ ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધવા તજવીજ કરશે

વર્ષાબા બાથરૂમમાં ભડથું થઇ ગયેલી હાલતમા, તેમના મૃતદેહને લઇ જવામાં આવ્યો તે દ્રશ્ય, ટાઉનશીપમાં પોલીસ અને રહેવાસીઓ, વર્ષાબાનો મૃતદેહ, પતિ યોગીરાજસિંહ સરવૈયાનો ફાઇલ ફોટો તથા સોૈથી નીચેની તસ્વીરમાં દાઝી જતાં સારવાર હેઠળ યોગીરાજસિંહ, તેમના દિકરી કૃપાલી અને દિકરો ઉર્વરાજસિંહ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪: રેલનગરમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ડી-વિંગમાં  છઠ્ઠા માળે આવેલા ફલેટ નંબર ૬૦૫માં ગુરૂવારે સાંજે લાગેલી ભેદી આગમાં વર્ષાબા યોગીરાજસિંહ સરવૈયા (ઉ.વ.૩૨) બાથરૂમમાં જ ભડથું થઇ ગયા હતાં. તેમના પતિ યોગીરાજસિંહ જસવંતસિંહ સરવૈયા (ઉ.વ.૩૨) સળગતી હાલતમાં બહાર ભાગી 'મારા દિકરા-દિકરીને બચાવો' એવી બૂમો પાડતાં પાડતાં ટાઉનશીપની બહાર દોડી ગયેલ અને ત્યાંથી પોતાની રીતે રિક્ષા મારફત સિવિલ હોસ્પિટલે પહોંચી દાખલ થયા હતાં. યોગીરાજસિંહે પોલીસની પ્રાથમિક પુછતાછમાં એવું રટણ કર્યુ છે કે-મારા પત્નિએ પોતાના પર કેરોસીન છાંટી મને પણ ઉડાડ્યું હતું અને કાંડી ચાંપતાં આગ લાગતાં અમે બંને દાઝી ગયા હતાં. આગ રૂમમાં પ્રસરતાં દિકરી પણ દાઝી હતી અને ઘોડીયામાં સુતેલો દિકરો પણ સ્હેજ દાઝી ગયો હતો. ખરેખર ઘટના શું બની? તે જાણવા પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. તેમજ યોગીરાજસિંહ સંપુર્ણ ભાનમાં આવે તેની રાહ જોઇ રહી છે.

છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં વર્ષાબા (ઉ.વ.૩૨), તેના પતિ યોગીરાજસિંહ જયવિરસિંહ સરવૈયા (ઉ.વ.૩૨) તથા પુત્રી કૃતિકા (ઉ.વ.૭) અને પુત્ર ઉર્વરાજસિંહ (ઉ.વ.૩ાા)ને સાંજે પોણા આઠેક વાગ્યે દાઝી ગયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વર્ષાબાનો મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. બાળક ઉર્વરાજસિંહને હાથમાં દાઝેલ હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે પતિ યોગીરાજસિંહ અને પુત્રી કૃતિકાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

ઘટનાની જાણ થતાં પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, પીએસઆઇ બી. વી. બોરીસાગર, જનકભાઇ કુગશીયા, દેવશીભાઇ ખાંભલા, અક્ષયભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર વર્ષાબાના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતાં. તેમના માવતર ગોંડલ મહાકાળી સોસાયટીમાં રહે છે. પિતાનું નામ વિક્રમસિંહ પરબતસિંહ જાડેજા છે. વર્ષાબા બે બહેન અને એક ભાઇમાં મોટા હતાં. 

વર્ષાબાને લગ્ન જીવનમાં ત્રણ સંતાનની પ્રાપ્તિ થઇ હતી. જેમાં મોટી દિકરી હેમાન્દ્રીબા થોડા દિવસ પહેલા જ ગોંડલ તેના મામાના ઘરે ગઇ હતી. વર્ષાબાના પતિ યોગીરાજસિંહ બે ભાઇમાં મોટા છે. તે સિકયુરીટી એજન્સીમાં નોકરી કરે છે. તેણે પોલીસ સમક્ષ એવું રટણ કર્યુ છે કે સાંજે ઘરમાં દિકરો દિકરી ઉંઘી રહ્યા હતાં. હું રૂમમાં આટાફેરા કરતો હતો ત્યાં  અચાનક પત્નિએ બાથરૂમમાં જઇ પોતાના પર કરોસીન છાંટી મારા ઉપર પણ ઉડાડ્યું હતું અને દિવાસળી ચાંપતા આગ લાગી હતી.

હું બૂમો પાડતો બહાર નકળી ગયો હતો, દિકરા દિકરીને બચાવો બચાવો એવી બૂમો પાડી હતી અને બહાર નીકળી ગયો હતો. કોઇએ મારા દિકરી દિકરીને બહાર કાઢી લીધા હતાં. જો કે પત્નિએ આગ શા માટે લગાડી? તેનો જવાબ યોગીરાજસિંહ આપી શકયા નહોતાં. હવે તે સંપુર્ણ ભાનમાં આવ્યે પોલીસ આગળ તપાસ કરશે. આજે સવારે વર્ષાબાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. ઘટના સ્થળે એફએસએલ અધિકારીને સાથે રાખી તપાસ કરવામાં આવશે. ગૃહકલેશને કારણે આ ઘટના બની કે પછી અન્ય કંઇ બન્યું? એ હજુ પુરેપુરૂ સ્પષ્ટ થયું ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.

પીઆઇ એલ. એલ. ચાવડાએ જણાવ્યું હતું કે યોગીરાજસિંહે એવું પ્રાથમિક પુછતાછમાં કહ્યું છે કે પત્નિએ આગ લગાડી હતી. આ વાતમાં કેટલુ તથ્ય છે એ અંગે તપાસ થઇ રહી છે. વર્ષાબાના માવતર પક્ષના લોકો તરફથી પણ હાલ કોઇ આક્ષેપો થયા નથી. પતિ-પત્નિ વચ્ચે કોઇ માથાકુટ નહિ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

પોલીસે યોગીરાજસિંહના દિકરી કૃપાલીને પણ પુછ્યું હતું કે ઘટના કઇ રીતે બની? તેણીએ કહ્યું હતું કે હું સુતી હતી, એકાએક ભડકો થતાં અને ધૂમાડો થતાં હું જાગી ગઇ હતી અને દેકારો કરવા માંડી હતી. હું પણ દાઝી ગઇ હતી. આગ કેમ લાગી એ મને ખબર નથી.

યોગીરાજસિંહના પરિવારમાં માતાને કોરોના આવ્યો હોઇ તે પત્નિ, સંતાનો સાથે થોડા દિવસ પહેલા જ મિત્રના ફલેટમાં ભાડેથી રહેવા આવ્યા છે. હાલ તો આગ કઇ રીતે? કોનાથી લાગી? એ ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે.

. છત્રપતિ શિવાજી ટાઉનશીપના પ્રમુખ ઇલાબેન પડીયાએ જણાવ્યું હતું કે આગની ઘટનાની જાણ થતાં અમે બધા ભેગા થઇ ગયા હતાં. રહેવાસી યુવાનોએ બ્લોક નં. ૬૦૫માં જઇ બાળકોને બહાર લાવી તુરત જ હોસ્પિટલે ખસેડ્યા હતાં. એ પછી બાળકોના પિતા દાઝેલી હાલતમાં આવ્યા હતાં. મારા બાળકોને બચાવો બચાવો એવી બૂમો પાડતાં હતાં. અમે તેમના માટે પણ ૧૦૮ બોલાવી હતી. પરંતુ તેઓ બાળકોને સિવિલ હોસ્પિટલે લઇ જવાયાનું જાણી પોતાની જાતે દોટ મુકી હોસ્પિટલે જવા નીકળી ગયા હતાં.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગથી ઘરમાં સેટી, દરવાજા, ગાદલા-ગોદડા પણ સળગી ગયા હતાં. ફાયર બ્રિગેડ ટીમ પહોંચી એ પહેલા જ આગ લોકોએ ઠારી નાંખી હતી.

(3:05 pm IST)