રાજકોટ
News of Friday, 14th May 2021

જ્યાં દર વર્ષે ૧ થી ૧ાા લાખ મુસ્લિમો એકત્ર થાય છે તે,

રાજકોટની ઇદગાહ સતત બીજા વર્ષે પણ નમાઝીઓ વિના ખાલીખમ રહેતા બંધ રહી

૮/૯ વાગ્યાના સુમારે એકલ-દોકલ વ્યકિત આવતા રહ્યા પણ નમાઝ થવાની ન હોઇ પરત ફરતા રહ્યા

રાજકોટ : રાજકોટ શહેરની મધ્યમાં ઢેબર રોડ ઉપર આવેલ વર્ષો પૂરાણી મુખ્ય ઇદગાહ ઉપર દર વર્ષે રાબેતા મુજબ સવારે ૯ વાગ્યે ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવતી હોય છે પરંતુ મહામારીના લીધે આ વખતે પણ શહેર ઇદગાહ બંધ રાખવામાં આવતા સતત બીજા વર્ષે નમાઝીઓ વિના ઇદગાહ ખાલીખમ જોવા મળી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

જો કે હંમેશા નમાઝનો સમય ૯ વાગ્યાનો સર્વત્ર હોય છે તેમ આજે પણ સવારે એકલ-દોકલ વ્યકિતઓ અહીં નમાઝ પઢવા આવતા રહ્યા પણ નમાઝ થવાની ન હોઇ પરત ફરતા રહ્યા હતા તો બીજી તરફ આ જ ઇદગાહમાં જ્યારે ઇદ હોય છે ત્યારે ત્યાં એકથી દોઢ લાખ મુસ્લિમો ઇદની વિશેષ નમાઝ પઢતા હોય છે અને જેના લીધે સવારથી લઇ બપોરે ૧૨ વાગ્યા સુધી ઇદગાહમાં એકત્ર થતા મુસ્લિમ સમાજના લીધે શહેરમાં સર્વત્ર ઇદનો માહોલ જોવા મળતો હોય છે પણ તે આજે કયાંય જોવા મળ્યો ન હતો.

(11:03 am IST)