રાજકોટ
News of Friday, 14th May 2021

વેકસીનના 'સ્લોટ' માં ગોલમાલ રોકવા હવે સાઇટ ખોલી ફોટાના પુરાવા આપવા સુચના

૧૦ વાગ્યાને બદલે ૧૦-૩૦ વાગ્યે 'સ્લોટ' ખૂલતા હોવાની અને જયાં ૧૦૦ જગ્યા ખાલી બતાવતી હોય તે વેકસીન સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરતા જ હાઉસ ફુલ થઇ જતુ હોવાની ફરીયાદ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલને મળતાં તુરત જ આરોગ્ય અધિકારીને જરૂરી પગલા લેવા તાકીદ

રાજકોટ તા. ૧૪ :.. શહેરમાં ૧૮ થી ૪૪ વર્ષની વય જુથનાં યુવાઓનું વેકસીનેશન ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ થતું હોઇ આ  ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ભારે ધાંધીયાની ફરીયાદો સતત ચાલુ છે. દરમિયાન 'સ્લોટ' વ્હેલા-મોડાં ખોલવામાં આવતાં હોવાની ફરીયાદ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને મળતાં તેઓએ હવેથી અધિકારીઓએ 'સ્લોટ' કેટલા વાગ્યે ખોલવામાં આવ્યો તેનો ફોટો પુરાવા રૂપે આપવાની સુચના જારી કરવા આરોગ્ય અધિકારીનું ધ્યાન દોર્યુ હતું.

આ અંગેની વિગતો મુજબ શહેરનાં વેકસીન સેન્ટરોનાં સ્લોટ ખોલવાનો સમય ૧૦ વાગ્યાનો હોવા છતાં ૧૦ ને બદલે ૧૦-રપ, ૧૦-૩૦ એમ એ પ્રમાણે સ્લોટ ખૂલતા હોવાની અને સ્લોટમાં જે વેકસીન સેન્ટરમાં ૯૩ થી ૧૦૦ જગ્યા ખાલી બતાવી હોય તેમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ થવાનાં આરે હોય તે વખતે જ આ સેન્ટર હાઉસફુલ છે. તેવી સુચના આવે છે. આમ આમાં કયાંક ગોલમાલની શંકા હોવાની ફરીયાદો મળતાં  સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે આ બાબતે આરોગ્ય અધિકારી ડો. વાંઝાને સુચન કર્યુ હતું કે હવેથી સ્લોટ ખોલનાર ઓપરેટરે સ્લોટ ખોલી અને તેનો ફોટો પાડીને પુરાવા રૂપે રાખવો જેથી ખ્યાલ આવે કે કેટલા વાગ્યે સ્લોટ ખૂલ્યા હતો અને કેટલી જગ્યા ખાલી હતી.

આ આ પ્રક્રિયાથી જો 'સ્લોટ' ખોલવામાં કોઇ ગોલમાલ થતી હોય તો તે અટકશે તેવી આશા ચેરમેનશ્રીએ આ તકે વ્યકત કરી હતી.

(3:40 pm IST)