રાજકોટ
News of Saturday, 14th May 2022

આચાર્ય ભગવંત પૂ. ડુંગરસિંહજી મ.સા.ની રવિવારે ૨૦૧મી પુણ્‍યતિથિ : જીવન ઝાંખી

ગોંડલ સ્‍થાનકવાસી જૈન સંપ્રદાયના આદ્ય સ્‍થાપક

 

રાજકોટ : જૈન દર્શનમાં સમયક્‌ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ - સાધ્‍વીજીઓનું નામ સૌ ધર્મ પ્રેમીઓના મુખપર પ્રથમ આવે.સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર, જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્‍વીજીઓ પગપાળા વિહાર કરી તિન્નાણં - તારયાણં,સ્‍વ - પરના કલ્‍યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા - ધર્મ લાભ આપતા દ્રશ્‍યમાન થાય છે.

આજે ગોંડલ સંપ્રદાય વટ વૃક્ષ બન્‍યો છે.ગોં.સં.ના સાધુ - સાધ્‍વીજીઓ ગોંડલથી લઈને ગાંધીનગર અરે ! છેક વાઘા બોર્ડર સુધી જૈન ધર્મનો જય જયકાર કર્યો છે તેના બીજ જેઓએ રોપ્‍યા છે તે મહા પુરુષ એટલે પૂ.ડુંગરસિંહજી મ.સા.

મનોજ ડેલીવાળાએ જણાવ્‍યું કે વિ.સં.૧૭૯૨ માં માંગરોળની પાવન ભૂમિ ઉપર સંસ્‍કાર સંપન્ના રત્‍નકુક્ષિણી માતા હીરબાઈ તથા ધર્મ નિષ્ઠ પ્રેમાળ પિતા કમળસિંહભાઈ બદાણી પરીવારના ખાનદાન ખોરડે કોહીનૂર અને કમળ જેવા એક ભૂલકાનું અવતરણ થયું. માતાએ સ્‍વપ્‍નમાં લીલોછમ પર્વત સાથે કેસરી સિંહને નજદીક આવતા નિહાળેલ તેથી જન્‍મ થનાર બાલૂડાનું નામ ડુંગરસિંહ' રાખ્‍યું. ચાર - ચાર બહેન અને બે ભાઈઓ સહિતના વિશાળ પરીવારમા આ બાળકનો લાડકોડથી ઉછેર થયો. બદાણી પરીવાર એટલે પૂ.સાધુ - સંતોની સેવા - વૈયાવચ્‍ચ અને સદા ચતુર્વિધ સંઘની ખેવના કરનારો પરીવાર.નિત્‍ય જિનવાણીનું શ્રવણ કરનારો આ બદાણી પરીવાર.

એક વખત પરીવાર સાથે યુવાન ડુંગરસિંહ પણ ગયાં. જિન શાસનના અણમોલ રત્‍ન સમાન પૂ.ગુરુદેવ રત્‍નચંદ્ગજી મ.સા. માનવ ભવની પ્રત્‍યેક ક્ષણ અમૂલ્‍ય છે,સંસારમાં રહીને દૂર્લભ ભવને વેડફશો નહીંર્. વૈરાગ્‍ય સભર પ્રવચન સાંભળી આ યુવાનમાં ટર્નીગ પોંઈટ આવ્‍યો.મનોમન નક્કી કર્યું કે બસ...હવે આ સંસારમાં રહેવું જ નથી. માવિત્રો તેમજ પરીવારની સવિનય અનુજ્ઞા પ્રાપ્ત કરી વિ.સં.૧૮૧૫ કારતક વદ ૧૦ ના દિવબંદરની દિવ્‍ય ભૂમિ ઉપર પૂ.રત્‍નચંદ્ગજી મ.સા. પાસે ભર યુવાન વયે સંયમ ધર્મનો સ્‍વીકાર કરી બીજો મનોરથ પૂર્ણ કર્યો.ડુંગરસિંહમાથી નૂતન દીક્ષિત પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયા.

પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પગલે - પગલે તેઓના માતુશ્રી હીરબાઈ,બહેન વેલબાઈ,ભાણેજ હીરાચંદભાઈ, ભાણેજી માનકુંવરબહેને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી ગોંડલ સંપ્રદાય એવમ્‌ જિન શાસનમાં ડંકો વગાડી દિધો અને પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે તિન્નાણં - તારયાણં અર્થાત્‌ પોતે સંસાર સાગરમાથી તર્યા અને અન્‍યોને પણ તાર્યા સૂત્રને તેઓશ્રીએ ચરિતાર્થ કર્યું. ᅠᅠ

પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે સતત સાડા પાંચ વર્ષ સુધી નિંદ્ગાનો ત્‍યાગ કરી તત્‍વ જ્ઞાનનો ગહન અભ્‍યાસ કર્યો.તેઓ કહેતા કે સાધુ બન્‍યા પછી તપ અને સાધના જ કરવાની હોય. વિ.સં.૧૮૪૫ મહા સુદ પાંચમ ગોંડલ સ્‍ટેટ ખાતે ગોંડલ સ્‍થાનકવાસી જૈન સંપ્રદાયની સ્‍થાપના થઈ. ગોં.સં.ના સંસ્‍થાપક આચાર્ય તરીકે પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયાં.ચતુર્વિધ સંઘમાં આચાર વિશુધ્‍ધી લક્ષે વિ.સં.૧૮૬૧ માં પૂ.સાધુ - સાધ્‍વીજીઓનું સંમેલન કરી નિયમો એટલે કે સમાચારી બનાવી.તેઓ વારંવાર કહેતા કે આચાર્ય એટલે સ્‍વયં પંચાચારનું પાલન કરે અને ચતુર્વિધ સંઘમાં પાલન કરાવે.

સાધુ તો વિચરતા ભલા એ ઉકિત અંનુસાર તેઓ પોરબંદર, દીવબંદર, સૌરાષ્ટ્ર, કચ્‍છ, કાઠીયાવાડ,ઝાલાવાડ સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની આન - બાન અને શાન વધારી.શરીર અટક્‍યુ ત્‍યારે ૧૮૭૧ ચૈત્ર સુદ ૧૫ થી ગોંડલમાં શ્રાવકોની વિનંતીને સ્‍વીકારી સ્‍થિરવાસ સાથે આત્‍મ રમણતામાં લાગી ગયાં. તેઓ વિનય,વિવેક,વિચક્ષણતા,

કરૂણા,સમય સૂચકતા સહિત અનેક સદ્દગુણોના સ્‍વામી હતા.

આચાર્ય ભગવંત કહેતા કે જન્‍મ ભલે સૂતા - સૂતા થાય પરંતુ મૃત્‍યુ તો બેઠા - બેઠા સમાધિ ભાવમાં થવું જોઈએ. તેઓને પોતાનું મૃત્‍યુ નજદીક દેખાતા વિ.સં.૧૮૭૭ ફાગણ સુદ તેરસના સોનેરી સૂર્યોદયે અનશન વ્રત અંગીકાર કરી ૮૪ વર્ષની ઉંમરે ૬ દાયકા ઉપરાંતના સંયમ જીવન સાથે અંતિમ મનોરથને હાંસલ કર્યો.

: સંકલન :

મનોજ ડેલીવાળા

રાજકોટ.

મો. ૯૮૨૪૧ ૧૪૪૩૯

(12:15 pm IST)