રાજકોટ
News of Saturday, 14th May 2022

રૈયા રોડ પર બાઇક ભટકાતા પોલીસમેનના પુત્ર ઉત્‍સવને બે શખ્‍સોએ મારમાર્યો

છાત્ર ટયુશનમાંથી ઘરે જતો'તો : બે શખ્‍સો સામે ગુનો

 

રાજકોટ તા. ૨૪ : રૈયા રોડ પર બાઇક પર જઇ રહેલા પોલીસમેનના પુત્ર પર બાઇક અથડાવવા પ્રશ્ને બાઇક સવાર બે શખ્‍સોએ માર મારતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ રામનાથપરા પોલીસ લાઇન બ્‍લોક નં. ૮માં કવાર્ટર નં. ૮૯માં રહેતા પોલીસમેનના પુત્ર ઉત્‍સવ રાજશીભાઇ ભારવાડીયા (ઉ.૨૩) અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતો હોઇ તેથી ગઇકાલે તે રામાપીર ચોકડી પાસે ટયુશનમાંથી છૂટીને બાઇક પર પોતાના ઘરે જતો હતો ત્‍યારે રૈયા રોડ પર ન્‍યુ એરા સ્‍કુલ સામે પહોંચતા એક જીજે૩ઇએમ-૫૫૫૫ નંબરના બાઇક પર ડબલ સવારીમાં આવી પોતાના બાઇક સાથે ભટકાડી ઉત્‍સવ સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમાં યુવાનને કડુ મારી દેતા તેને માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ. જયસુખભાઇ હુંબલે બાઇક પર આવેલા બે અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:11 pm IST)