સિવેલા કપડા ગ્રાહકને આપવા જઇ રહેલા શિવધામ સોસાયટીના ધીરૂભાઇ લાઠીયાનું વાહનની ઠોકરે મોત
૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં બનાવઃ પ્રજાપતિ પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૪: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે ગઇકાલે પ્રજાપતિ વૃધ્ધ બાઇક સહિત અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
દોઢસો ફુટ રીંગ રોડ પર શિવધામ સોસાયટી-૩માં રહેતાં ધીરૂભાઇ ધનજીભાઇ લાઠીયા (ઉ.૬૨) ગઇકાલે સવારે ઘરેથી મોટરસાઇકલ હંકારી ગાંધીગ્રામ શિતલ પાર્કમાં ગ્રાહકને તેના કપડા આપવા જવા નીકળ્યા ત્યારે ગોવર્ધન ચોકમાં પહોંચતા કોઇ વાહનની ઠોકર લાગી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. અહિ આજે વેહલી સવારે દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર ધીરૂભાઇ લાઠીયા બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે દરજી કામ કરતાં હતાં. ગઇકાલે ગ્રાહકના સિવેલા કપડા પહોંચાડવા નીકળ્યા ત્યારે અકસ્માત નડયો હતો જે જીવલેણ સાબિત થયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર વાહનની શોધખોળ હાથ ધરી છે.