રૈયામાં ‘મારી સામુ જોઇ દાંત કેમ કાઢે છે?' કહી વૈભવ પર છરીથી હુમલો
અશ્વિને શાક સુધારવાની છરીથી ઘાયલ કર્યો, તેના ભાઇ દિપકે ઝાપટો મારી
રાજકોટ તા. ૧૪: રૈયા ગામમાં રહેતો યુવાન ચાલીને જતો હતો ત્યારે ગામના જ શખ્સે ‘મારી સામે જોઇને દાંત કેમ કાઢે છે?' કહી ઝઘડો કરી શાક સુધારવાની છરીથી ઇજા પહોંચાડી તેમજ એ શખ્સના ભાઇએ ગાળો આવી ઝાપટો મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ગામમાં મધુરમ્ પ્રોવિઝન સ્ટોર પાસે પરમાર નિવાસમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં વૈભવ નરેશભાઇ પરમાર (ઉ.૨૧)ની ફરિયાદ પરથી રૈયા ગામના જ અશ્વિન માધુભાઇ ખીમસુરીયા તથા દિપક માધુભાઇ ખીમસુરીયા વિરૂધધ ગુનો નોંધ્યો છે.
વૈભવે જણાવ્યું હતું કે હું મારા દાદીમાના ઘરેથી આવતો હતો ત્યારે રૈયાના ચોકમાંથી નીકળતાં ત્યાં રહેતાં અશ્વિન તેના ઘર પાસે ઉભો હોઇ મને અટકાવીને ‘મારા સામુ જોઇને દાંત કેમ કાઢે છે?' તેમ કહી ગાળો દેતાં હું ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી અશ્વિન ફરી મળતાં મેં તેને ગાળો શું કામ આપે છે? તેમ પુછતાં તે ઘરમાંથી શાક સુધારવાની છરી લઇને મારવા આવતાં હું દૂર ખસી જતાં છાતીમાં અને પડખામાં છરકા જેવી ઇજાઓ થઇ હતી. એ દરમિયાન અશ્વિનનો ભાઇ દિપક પણ આવી ગયો હતો અને મને ગાળો દઇ ઝાપટો મારી હતી. ત્યાં મારા પિતાજી આવી જતાં મને બચાવ્યો હતો. મને ઇજા થઇ હોઇ મારા કાકા બીપીનભાઇ મને સારવાર માટે લઇને નીકળ્યા હતાં અને ૧૦૮ બોલાવી હોસ્પિટલે ખસેડયો હતો. હેડકોન્સ. ઇકબાલભાઇ મોરવાડીયાએ ગુનો નોંધી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.