રાજકોટ
News of Tuesday, 14th June 2022

બાળકોમાં ઓટિઝમ રોગનું વધતું પ્રમાણઃ રાજકોટ જિલ્લામાં સર્વેઃ ૪ બાળકોમાં લક્ષણો જોવા મળ્યા

રોગગ્રસ્ત બાળકમાં માનસિક અસર થાય છે અને બાળક સુનમુન રહે છે : જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ કહ્યું-બે મહિનામાં ૩૫ હજાર બાળકોનો સર્વે થશેઃ હાલ ૨૫૦નો સર્વે થયો

રાજકોટ તા. ૧૪: જિલ્લામાં કોરોના હળવો થતાં રાહત અનુભવતાં આરોગ્ય તંત્રએ હવે બાળકોમાં જોવા મળતાં ઓટિઝમ રોગના સર્વે તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ રોગમાં બાળક સુનમુન બેસી રહે છે અને એકલતા જેવો ભાવ અનુભવો છે. તેને સ્વલીનતાના નામે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય બાળકો કરતાં તે માનસિક રીતે અલગ પડે છે.

જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના જણાવ્યા મુજબ એકથી વધુ કારણોસર ઓટિઝમ રોગ બાળકોમાં જોવા મળે છે. હાલ રાજકોટ જીલ્લામાં સર્વે ચાલી રહ્યો છે. જેમાં ૧૬ થી ૩૦ માસની ઉમરના ૩૦ થી ૩૫ હજાર બાળકોની શારીરિક ચકાસણી કરવામાં આવશે. કુલ ૫૫ ટીમો બે મહિનામાં સર્વે પુરો કરશે. પ્રથમ ૨૫૦ બાળકોનો સર્વે થયો તેમાંથી  ૪ બાળકોને આ રોગ હોય તેવી શંકા ઉદ્દભવી છે. તેના આધારે મેડિકલ કોલેજમાં તેની વિશેષ તપાસ કરાવડાવી જરૂરીયાત મુજબ સારવાર અપાશે. યોગ્ય સારવાર બાદ બાળ દર્દીને સંપુર્ણ નોર્મલ કરી શકાય છે.

આ અંગે ડો.મિતેષ ભંડેરીએ વધુમા઼ જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલીને પગલે બાળકોમાં અનેક પ્રકારના રોગ જોવા મળી રહ્યા છે, દરમિયાન ભૂલકાંઓને ઓટિઝમ નામનો રોગ થવાનાં પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે આ પ્રકારના રોગના લક્ષણો ધરાવનાર બાળકોને વહેલી તકે સમયસર સારવાર આપી શકાય તેવા હેતુસર આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં અંદાજે ૩૫,૦૦૦ બાળકનો સરવે કરવાની કામગીરી હાથ ધરાઇ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઓટિઝમ એ એક એવી માનસિક બીમારી છે જેના લક્ષણો જન્મથી અથવા બાળપણથી દેખાય છે. આ રોગ ધરાવતા બાળકોનો વિકાસ અન્ય બાળકોની સરખામણીમાં અસામાન્ય હોય છે. ઓટિઝમ માટે ગુજરાતીમાં કોઈ ચોક્કસ શબ્દ નથી પણ તેને સ્વલીનતા કહી શકાય. એટલે પોતાનામાં જ રચ્યા-પચ્યા રહેવું, પોતાના વિચારોમાં ખોવાઈ જવું. આ બધું બાળક ત્રણ વર્ષનું થાય તે પહેલાં શરૂ થાય છે.

બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે તેના કૂમળા મગજમાં કોઈ ક્ષતિ થઈ હોય અને જન્મ પછી એ ક્ષતિ વધે, એને કારણે ઓટિઝમ થાય છે અથવા બાળકના મગજમાં રસાયણોની અસમાનતા થાય ત્યારે પણ ઓટીઝમ થઈ શકે છે.

(5:09 pm IST)