રાજકોટ
News of Tuesday, 14th September 2021

પૂરમાં ફસાયેલા લોકોને બચાવતી રૂરલ પોલીસઃ એસ.પી.બલરામ મીણા-પણ દોડી ગયા

લોધીકાના પી.એસ.આઇ. કે.કે.જાડેજા, શાપરના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ તથા પડધરીના પી.એસ.આઇ. આર.જે. ગોહિલની સરાહનીય કામગીરીઃ ઉચ્ચ અધિકારીઓએ પીઠ થાબડી

પ્રથમ તસ્વીરમાં લોધીકાના પી.એસ.આઇ. જાડેજા, બીજી તસ્વીરમાં પડધરીના પી.એસ.આઇ. ગોહિલ તથા શાપર વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ પુરમાં ફસાયેલા લોકોને બચાવતા નજરે પડે છે.

રાજકોટ તા.૧૪ : રાજકોટ જીલ્લાના ગઇકાલે ભારે વરસાદના કારણે પુરમાં ફસાયેલા લોકોને રૂરલ પોલીસે બચાવ્યા હતા લોધીકા, શાપર-વેરાવળ તથા પડધરીના પી.એસ.આઇ.ની સરાહનીય કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી હતી. પડધરી પાસે પુરમાં ફસાયેલા લોકોને બચાવવા રૂરલ એસ.પી.બલરામ મીણા ખુદ દોડી ગયા હતા.

રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ તમામ પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને એલર્ટ રહેવાની સુચના આપી ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ રાખી કોઇ જાનહાની ન થાય તે સારૂ સુચના આપી વધુમાં વધુ પોલીસ પેટ્રોલીંગ રાખવાની સુચના આપેલ હતી. જે અન્વયે લોધીકા પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. શ્રી કે. કે. જાડેજા તથા તેમના સ્ટાફ દ્વારા કાલાવડ રોડ પર લોધીકાના બાલાજી પુલ પર પાણીમાં ફસાયેલ એક વૃધ્ધા દેવીબેન પુંજાભાઇ ઉ.૭૦ વાળાને રેસ્કયુ કરી  કમર ડૂબ પાણીમાંથી સલામત સ્થળે ખસેડેલ હતાં. તેમજ લોધીકા વિસ્તારમાં અન્ય નીચાણવાળા વિસ્તાર દેવગામમાંથી પ માણસોને તથા ચાંદલી ગામના નીચાણવાળા વિસ્તારમાંથી ૬ માણસોને તથા વાગુદડ રોડ પર સંવેદના હાઇટસ સામે પુલ પર ર-માણસો વિગેરે તમામને સહી સલામત રીતે પુરના વરસાદી પાણીમાંથી બચાવવાની કામગીરી સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા સતત જુદા જુદા વિસ્તારમાં ફસાયેલ લોકોને મદદ કરેલ હતી.

તેમજ શાપર પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. કુલદિપસિંહ ગોહીલ તથા પોલીસ ટીમ દ્વારા શાપર-વેરાવળ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્કયુ ઓપરેશન કરીને બચાવ કામગીરી કરી હતી. જેમાં એક અપંગ વ્યકિતને પુરમાં ફસાયેલ હોય તેમને બચાવવામાં આવેલ હતાં.

તેમજ પડધરી પોલીસ સ્ટેશના પો. સબ. ઇન્સ. આર. જે. ગોહીલનાઓ તેમની પોલીસ ટીમ સાથે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ રાખી ફરતા હતા તે દરમ્યાન એક વૃધ્ધા વરસાદી પાણીમાં ફસાયેલ હોય તેઓને જાતે ઉચકી સલામત સ્થળે પહોંચાડેલ હતાં.

દરમિયાન પડધરી પાસે નેશનલ હાઇવેપર પુરમાં એક મકાનમાં બે યુવાનો ફસાઇ જતા રૂરલ એસ.પી. બલરામ મીણા પડધરી દોડી ગયા હતા અને પુરમાં ફસાયેલા બન્નેન યુવાનને રેસ્કયુ કરી હેમખેમ બચાવ્યા હતા. આ કામગીરીમાં પડધરીના પી.એસ.આઇ. આર.જે. ગોહિલ તથા સ્ટાફ પણ જોડાયો હતો.

(11:43 am IST)