રાજકોટ
News of Wednesday, 14th October 2020

શહેર પોલીસને વધારાનો સ્ટાફ મળ્યોઃ ૩૧૩ જગ્યા મંજુર

ટ્રાફિક માટે નવી ૯૭ જગ્યા મંજુરઃ જેમાં ૩ પીએસઆઇ, ૧૨ એએસઆઇ અને ૨૪ હેડકોન્સ. તથા ૫૮ કોન્સ્ટેબલ ફાળવાયાઃ અલગ-અલગ વિભાગમાં થશે તમામ કર્મચારીઓની નિમણુંક થશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયાની ભલામણને પગલે મહેકમ વધારી આપી : ક્રાઇમ બ્રાંચમાં આર્થિક ગુના નિવારણમાં એક પીઆઇ અને એક પીએસઆઇની જગ્યા ઉભી કરાઇ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સતત પ્રયાસો ફળ્યા

રાજકોટ તા.૧૪: શહેર પોલીસદળને વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવા ગુજરાત સરકારે વિવિધ સંવર્ગની નવી જગ્યાઓ મંજુર કરતાં રાજકોટ પોલીસને કુલ ૩૧૩ મહેકમની ફાળવણી થઇ છે. જેમાં પીએસઆઇ, એએસઆઇ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ તમામને અલગ-અલગ જગ્યા પર નિમણુંક આપવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેરને વધારાનો સ્ટાફ ફાળવવામાં આવે તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સતત પ્રયત્નશીલ હતાં અને મુખ્યમંત્રીશ્રી તથા ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરી વધારાની મહેકમ આપવા માંગણી કરી હતી. જે અન્વયે રાજ્યના પોલીસદળને કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવા માટે વિવિધ સંવર્ગની જગ્યા ૩૧૩ જગ્યા મંજુર થઇ છે.

રાજકોટ શહેરમાં પોલીસદળ વધારવા રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી આશિષ ભાટીયા દ્વારા ગુજરાત સરકારને ભલામણ સાથે કરવામાં આવેલ હતી. જે અન્વયે ગુજરાત સરકાર દ્રારા હાલમાં બનતા ગુન્હાઓ તેમજ એનડીપીએસ તથા પ્રોહીબીશનના ગુન્હાઓ બનતા અટકાવવાની કામગીરી તથા વીવીઆઇપી બંદોબસ્ત તેમજ પોલીસની કામગીરી સુલભ બનાવવા સારૂ નવી જગ્યાઓ વર્ષ-૨૦ર૦-૨૧ ના બજેટમાં ગુજરાત સરકારશ્રી દ્વારા રાજકોટ શહેર પોલીસદળમાં નીચે મુજબની વિવિધ સંવર્ગની મંજુર કરવામાં આવેલ છે. જે મંજુર થયેલ વિવિધ સંવર્ગની નવી જગ્યાઓથી રાજકોટ શહેર પોલીસદળને કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવા માટે અને રાજકોટ શહેરની જનતાની જાનમાલનુ રક્ષણ, સુરક્ષા અને સુખાકારી માટે ઉપયોગી થશે.

રાજકોટ શહેરમાં ટ્રાફીકની હાલની પરિસ્થિતિને પંહોચી વળવા માટે કુલ-૯૭ જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે. જેમાં બિન હથિયારી પો.સબ.ઇન્સ.-૩, બિન હથિયારી એ.એસ.આઇ.-૧૨, બિન હથિયારી હેડ.કોન્સ.-૨૪ બિન હથિયારી પો.કોન્સ.- ૫૮ તેમજ રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે કેદી જાપ્તા, વી.વી.આઇ.પી. સુરક્ષા માટે પુરતા પ્રમાણમાં પોલીસનુ પીઠબળ મળી રહે તે માટે કુલ-૩૧૩ જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે. જેમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર-૨, હથિયારી પો.સબ.ઇન્સ.-૭, હથિયારી હેડ.કોન્સ.- ૭૫, હથિયારી પો.કોન્સ.-૨ર૫, ડોગ હેન્ડલર પો.કોન્સ.-૪ તેમજ ૧/૧ વિભાગમાં પણ પુરતા પ્રમાણમાં ડ્રાયવરો મળી રહે તે માટે આઉટ સોર્સ થી કુલ-૩૦ ડ્રાઈવર ની જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે. તેમજ આર્થિક ગુન્હા નિવારણ માટે ૧ પોલીસ ઇન્સ્પેકટર તથા ૧ પો.સબ.ઇન્સ. ની જગ્યા ઉભી કરવામાં આવેલ છે.

તેમજ ક્રાઇમ બ્રાન્ચને વધારે સુદ્રઢ બનાવવા માટે ૧ પોલીસ ઇન્સ્પેકટર અને ૧ પોલીસ ઇન્સ્પેકટર ટેકનિકલ ડેટા બેઇઝ એનાલીસીસ માટેની જગ્યા ઉભી કરવામાં આવેલ છે. આ ઉપરાંત અલગ-અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચોમાં પુરતા પ્રમાણમાં મહેકમ મળી રહે તે માટે બિન હથિયારી પો.સબ.ઇન્સ. ની કુલ-૩૬ જગ્યા મંજુર કરવામાં આવેલ છે.

આમ ભવિષ્યમાં વધારે કાર્યદક્ષ અને ઉત્તમ અધિકારી/માણસો મારફત રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે તેમજ પ્રજાની શાંતિ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજકોટ શહેર પોલીસ કટિબધ્ધ છે.

(3:58 pm IST)