રાજકોટ
News of Wednesday, 14th October 2020

રાજકોટ ભાજપ મહિલા મોરચો કાલથી મોરબીને ધમરોળશેઃ પ્રચાર પ્રસાર અભિયાન

ઉપલેટા હોય કે જસદણ પ્રચાર કાર્યમાં બહેનો અગ્રેસરઃ અંજલીબેન-ભાનુબેન

રાજકોટ તા. ૧૪: શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની સંયુકત યાદીમાં જણાવેલ છે કે આગામી માસમાં ગુજરાતના ૮ જિલ્લાઓમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે મોરબી ખાતે વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કાર્યને વેગવંતુ બનાવવા માટે શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને વોર્ડવાઇઝ જવાબદારીની સોંપણી કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આવતીકાલે તા. ૧પથી મોરબી ખાતે શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયા, સહીત વિવિધ વોર્ડના મહિલા મોરચાના અગ્રણી બહેનો સહીતના દ્વારા મોરબી ખાતે વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત પ્રચાર-પ્રસાર કામગીરીનો પૂર જોશથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.

અંજલીબેન રૂપાણી અને ભાનુબેન બાબરીયાએ જણાવેલ હતું કે ભુતકાળમાં ઉપલેટા વિધાનસભા પેટાચૂંટણી તેમજ જસદણ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના બહેનો પ્રચાર-પ્રસાર કાર્યમાં અગ્રેસર રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા મહિલાઓ આર્થિક રીતે સશકત બને તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તેમજ 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'થી મહિલાઓ આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર બનવાની દિશામાં આગેકદમ માંડી રહી છે.

મોરબીના મહિલા મતદારોને મહિલા હિતલક્ષીની વિવિધ યોજનાઓથી માહીતગાર કરવામાં આવશે. તેમ અંતમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયાએ જણાવ્યું હતું.

(3:37 pm IST)