રાજકોટ
News of Thursday, 14th October 2021

દ્વારકાધીશના પરમ ભકત, મુંઠી ઉચેરા માનવી એવા બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ

હંમેશા હસતો ચહેરો, અવાજમાં ઉષ્મા છે, કર્મયોગને આત્મસાત કરી લીધો હોય : માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ દરેક સમાજની પડખે ઉભા રહેનાર મૌલેશભાઈએ કંપનીના કર્મચારીથી લઈ તમામ સમાજના લોકોના દિલમાં બનાવી છે ખાસ જગ્યા

રાજકોટઃ શ્રીમદ્દ ભાગવદ ગીતામાં કહ્યું છે કે કર્મ કરતોજા ફળની આશા ના રાખ... તમારા સારા કર્મનું તમને અવશ્ય સારૃં ફળ મળવાનું જ છે. શ્રીમદ્દ ભાગવદ ગીતાની આ વાતને જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી સદૈવ તમામ સમાજને મદદ કરવામાં અગ્રેસર રહેતા, સરળતા, સાત્વિકતા, સમર્પણ ભાવને જ પોતાનો જીવન મંત્ર બનાવનાર અને દ્વારકાધીશમાં અપાર શ્રધ્ધા ધરવાનાર મૌલેશભાઈ ઉકાણીનો આજે જન્મદિવસ છે. શ્રીમદ્દ ભાગવદ્દ ગીતામાં કહ્યા પ્રમાણે જાણે કે કર્મયોગને આત્મસાત કરી લીધો હોય અને કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો તેનાથી ડર્યા વગર જ કર્મ કરવામાં માને છે.

ના તો કયારેય મૂડલેસ જોવા મળે કે ના તો કયારેય કોઈ સ્ટ્રેસ દેખાય, સદાય હસતા અને હળવાફૂલ, અવાજમાં ઉષ્મા અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર, સમગ્ર વિશ્વમાં નામના હોવા છતાં સફળતાનો અહંકાર નહીં એવા બાન લેબ્સના માલિક મૌલેશભાઈ ઉકાણી યશશ્વી જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. કંપનીના કર્મચારી હોય કે કોઈ ઉચ્ચ હોદા પર બિરાજમાન વ્યકિત હોય તમામને સમાન આદર આપનાર મૌલેશભાઈ દરેક સમાજના લોકોના દિલમાં રાજ કરે છે. માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ કોઈપણ સમજ હોય કે સંસ્થા હોય મૌલેશભાઈની દાનની સરવાણી તો અવિરત વહેતી જ રહે છે. માત્ર એકવાર કહેવાથી મૌલેશભાઈ મદદ માટે અચૂક હાજર હોય છે.

જે સમયે એલોપથી દવાનો યુગ શરૂ થઈ ચુકયો હતો અને લોકો આયુર્વેદને ભૂલી એલોપથી તરફ વળી રહ્યા હતા તે સમયે આયુર્વેદિક તબીબ એવા ડો.ડાહ્યાભાઈ પટેલે લોકોમાં આયુર્વેદ અંગેની જાગૃતિ આવે અને આપણી પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ પરથી લોકોનો વિશ્વાસ ના ઉડે તેવા શુભ આશય સાથે વર્ષ ૧૯૬૬માં બાન લેબ્સનો પાયો નાખ્યો હતો. હાલમાં આ કંપની મલ્ટીનેશનલ કંપનીઓને ટકકર આપી વૈશ્વિક બ્રાન્ડ બની ચુકી છે. રૂપિયા ૧૬ હજારના રોકાણની સાથે શરૂ ઈ.સ.૧૯૬૬માં શરૂ કરાયેલી આ બાન લેબ્સ હાલમાં કરોડોનું વાર્ષિક ટર્નઓવર કરી રહી છે.

હજારો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા મૌલેશભાઈની સફળતા વિશેની પરિભાષા પણ અનેરી છે. સફળતા વિશેના પોતાના વિચારો રજૂ કરતા કહે છે કે સફળતા મેળવવા માટેનો કોઈ ટૂંકો રસ્તો નથી. જો તમારે તમારા વ્યવસાયનો વિકાસ કરવો હોય તો સમયનું ચુસ્ત પાલન અને સત્યના માર્ગ પર ચાલવું જરૂરી છે. આજના હરીફાઈના યુગમાં ડગલેને પગલે તમારી કંપનીની દરેક વસ્તુની અન્ય કંપનીની વસ્તુઓ સાથે સરખામણી થશે. ત્યારે અન્ય વસ્તુઓની તુલનામાં તમારે શું નવું આપવું તે પ્રાથમિક જરૂરિયાત છે. આજના સમયમાં ટેકનોલોજીનો દિવસેને દિવસે વિકાસ થતો જાય છે. ત્યારે આ ટેકનોલોજીના ઉપયોગને પણ સફળતા મેળવવા સાથે જોડી શકાય છે.

માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ સામાજિક ક્ષેત્રે કાર્યરત ૪૬ જેટલી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. માત્ર સંસ્થામાં નામ રાખવા માટે જ નહીં પણ નિયમિત રીતે તમામ સંસ્થાઓમાં યોગદાન પણ કરતા રહે છે. આ ઉપરાંત મૌલેશભાઈના વિચારો દર્શાવતા બે પુસ્તકો પણ લોકોને સારૂ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. દ્વારકાધીશમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધા ધરાવનારા મૌલેશભાઈની જયારે દ્વારકા મંદિરના ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારે તેઓએ એ ઘડીને જીવનની સર્વ શ્રેષ્ઠ માને છે અને ભગવાને સેવા કરવાનો મોકો આપ્યો તેથી હંમેશા દ્વારકાધીશના ત્રણી રહેશે તેમ પણ જણાવ્યું હતું. દ્વારકાધીશમાં અપાર શ્રધ્ધા ધરાવનાર મૌલેશભાઇ માને છે કે જયારે બધી બાજુથી મુશ્કેલીમાં ઘેરાઈ ચૂકયો હોવ ત્યારે દ્વારકાધીશ જ આશાનું કોઈ એક કિરણ સામે લાવે છે.

ઈમાનદારી અને સત્ય જેના જીવનનો મુખ્ય આધારસ્તંભ છે તેવા મૌલેશભાઇ ૨૫૭ કરોડનો એડવાન્સ ટેકસ ભરીને લોકોને પણ ટેકસ ભરવાની પ્રેરણા આપી હતી તેમના આ ઉમદા કાર્ય બદલ ભારત સરકારના ૧૧ વિભાગો દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ સિવાય બાન લેબ્સ દ્વારા થતા અનેક ઉત્પાદનોમાંથી એક ફેમસ બ્રાન્ડ સેસા અંદાજિત ૧૬૦૦ કરોડ રૂપિયામાં વેંચાઈ હતી. આમ સેસા બ્રાન્ડે માત્ર રાજકોટનું જ નહીં પણ દેશનું નામ પણ રોશન કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોઈ બ્રાન્ડની આટલી કિંમત આવી હોય તેવી આ દેશની પ્રથમ ઘટના બની હતી.

કડવા પાટીદાર સમાજના આસ્થાનું પ્રતીક એવા સીદસર ઉમિયાધામ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ સમાજને ઉત્તમ સેવા પ્રદાન કરવાના હેતુ સાથે આ જવાબદારી ખુશી ખુશી નિભાવી રહ્યા છે.  જન્મદિન નિમિતે શુભેચ્છકો  તેમના મોં. ૯૮૨૪૪ ૦૦૯૦૦ ઉપર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.(૩૦.૨)

 

બાન લેબ્સના નવા સ્તંભ છે જય અને લવ

બે ભાઈઓ, માતા - પિતા અને સંતાનો સાથે ખુશ ખુશાલ આ પરિવાર રાજકોટમાં સ્થાયી છે. દેશની પ્રતિષિત યુનિવર્સીટીમાંથી બી.ફાર્મ અને લંડનની યુનિવર્સીટીમાં માસ્ટર ડિંગ્રી મેળવી મૌલેશભાઈના પુત્ર જય અને તેમના ભાઈના પુત્ર લવ હાલમાં બાન લેબ્સના નવા સ્તંભ બની રહ્યા છે. કહેવાય છે ને કે મોરના ઈંડાને ચીતરવા ના પડે તે જ રીતે જય અને લવ પણ કંપનીને નવી ઊંચાઈ શર કરાવવા અને દાદા ડાહ્યાભાઈ અને મૌલેશભાઈનું માથું ગર્વથી ઊંચું થાય તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.

મહામારીમાં પ્રોફિટના બદલે સેવાને આપ્યું પ્રાધાન્ય

વર્ષ ૨૦૨૦માં અચાનક આવી પડેલી કોરોના રૂપી આફતના સમયમાં અનેક કંપનીઓ નફો કમાવવામાં લાગી હતી. એ પછી એલોપથી હોય કે આયુર્વેદિક હોય એક સમયે દવાઓનો સ્ટોક પણ ઓછો પડ્યો હતો ત્યારે આવા કપરા કાળમાં લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવિને નફો કમાવવાના બદલે લોકોની પડખે ઉભા રહેવાનું પસંદ કરનારા મૌલેશભાઈએ લાખોની સંખ્યામાં ગિલોય અને મહાસુદર્શન ગોળી નિઃશુલ્ક આપી હતી. આ સિવાય પણ જયારે મોટાભાગની કંપનીઓ કર્મચારીઓને છુટા કરી રહી હતી ત્યારેમૌલેશભાઈએ કર્મચારીઓની પરિવારના સભ્યોની જેમ કાળજી રાખી હતી અને તમામ કર્મચારીઓની સહાય પણ કરી હતી. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોની વ્હારેપણ આવ્યા હતા.

(11:26 am IST)