રાજકોટ
News of Thursday, 14th October 2021

સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વય મર્યાદામાં વધારો કરાતા આવકારઃ રાજુભાઈ ધ્રુવ

લાખો વિદ્યાર્થીઓના હિત માટે ભાજપ સરકારનો મહત્વનો નિર્ણય

રાજકોટ,તા.૧૪: અરાજ્યના  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નવી સરકાર દ્વારા આગામી સમય માટે રાજય સરકારની પ્રજાલક્ષી  કલ્યાણ-વિકાસલક્ષી કામગીરી રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તેના માટે એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેમાં છેવાડાના માનવીના ભલા માટે છેક સુધી સરકાર પહોંચવા પ્રયત્નકરી તમામ વર્ગને આવરી લેતા કામ માટે રોડ મેપ તૈયાર કર્યો છે. ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યસરકાર દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય કરી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની વય મર્યાદામાં ૧ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે , કોરોનાની વૈશ્વિક મહામારી સમય દરમિયાન સરકારી ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી પરિણામે આવનાર નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકારે ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરી મહત્વ પૂર્ણ નિર્ણય રાજ્યના લાખો વિદ્યાર્થીઓના હિતમાં લીધેલ છે. અને વધુ લોકોને રોજગારી મળે તે માટે પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે. આ તકે હું રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ વતી દિલથી આભાર વ્યકત કરૃં છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે , સ્પર્ધાત્મક પરીક્ષા વય મર્યાદામાં વધારો કરતા બિન અનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા ૩૬ ની રહેશે જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા ૪૧વર્ષની રહેશે. આ નિર્ણય આગામી  ૩૧-૮-૨૨સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ રહેશે આ ઉપરાંત ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવ્યો છે.આમ રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઝડપથી નિર્ણય લઈ કોરોના મહામારીને કારણે વય મર્યાદાને કારણે અસર પામેલા સરકારી નોકરીના પરિક્ષાર્થીઓ-સ્પર્ધકોમાં ઉત્સાહની લાગણીનો સંચાર કરેલ છે અને  ભાજપ સરકારના સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા યુવાનો માટેના સંવેદનાસભર નિર્ણયને રાજુભાઇ ધ્રુવે આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવેલ છે.

 

(12:01 pm IST)