રાજકોટ
News of Thursday, 14th October 2021

રેસકોર્ષ મેદાનમાં કાલે રાવણ દહન-શસ્ત્રપૂજન

પપ ફુટ ઉંચુ પુતળુ બનાવાયું: કુંભકર્ણ અને મેઘનાદના પુતળાને પણ કાંડી ચંપાશેઃ સાથેે શસ્ત્રપૂજન અને આતશબાજીના કાર્યક્રમો : સ્વામી પરમાત્માનંદજી મુખ્ય વકતા

રાજકોટ, તા., ૧૪:  વિજયાદશમીનું પર્વ આશુરી શકિત પર દૈવીશકિતના વિજયના માનમાં ઉજવાય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરીષદ-બજરંગદળ-દુર્ગાવાહીની દ્વારા મહાનગરમાં વર્ષોથી રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત આવતીકાલે વિજયાદશમીના દિવસે રાવણ દહન, શસ્ત્રપુજન, આતશબાજી સહીતના પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી પધારશે.

ગત વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉંચામાં ઉંચા રાવણના પુતળા બનાવવામાં આવ્યા હતા. આ જ પરંપરાને ફરીથી અનુસરીને રાવણ દહનના કાર્યક્રમમાં રાવણ-કુંભકર્ણ અને મેઘનાથના ગુજરાતના સૌથી  ઉંચી હાઇટના પુતળાઓ પણ બનાવવામાં આવ્યા છે.

આ પુતળાઓ બનાવવા માટે યુ.પી.(આગ્રા)થી ખાસ કારીગરો ઘણા દિવસો પુર્વે રાજકોટ આવી ચુકયા હતા. ઘણા દિવસોની જહેમત બાદ આ પુતળાઓ તૈયાર કર્યા છે. રાવણનું પપ ફુટ ઉંચુ તથા કુંભકર્ણ અને મેઘનાથના ૩૦-૩૦ ફુટ ઉંચાઇના પુતળાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

આવતીકાલે તા.૧પના શુક્રવારે રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭ કલાકે રાવણ-કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરાશે અને ફટાકડાની અવનવી વેરાયટીઓ સાથે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.  રાવણ-કુંભકર્ણ-મેઘનાથના પુતળાઓનું દહન અને અવનવી આકાશી ફટાકડાની રંગોળી રચાશે.

ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવ્યા છે. જયાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આવતીકાલે પુતળાદહન ઉપરાંત દરેક પ્રજાજનો પોતાના બાળકોને ખાસ તૈયાર કરેલા પંડાલમાં વારસાઇ  સંસ્કૃતિ એવા શસ્ત્રોના પુજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાં બાળકના હાથે શસ્ત્ર પૂજનનો અવશ્ય લાભ લ્યે તેવો અનુરોધ સમીતી દ્વારા કરવામાં આવ્યો છે. મર્યાદીત સંખ્યામાં તથા સરકારની ગાઇડ લાઇન અનુસાર દશેરાના દિવસે રાવણ દહન, શસ્ત્રપૂજન, આતશબાજી સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવુ વિહિપની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(3:14 pm IST)