રાજકોટ
News of Thursday, 14th October 2021

અશાંતધારો : હિંદુ - હિંદુ અને મુસ્લિમ - મુસ્લિમ વચ્ચેની તમામ ફાઇલોનો નિકાલ : હિંદુ - મુસ્લિમ ફાઇલો અટકી પડી

અરે ૪ એવી ફાઇલો કે જે જેન્યુઅન હતી તે કલેકટરે પુનઃ વિચારણા માટે પોલીસમાં મોકલવી પડી : મોટાભાગની આવી ફાઇલોમાં પોલીસમાંથી નેગેટીવ રીપોર્ટ આવી રહ્યા હોય કલેકટર તંત્ર પણ લાચાર

રાજકોટ તા. ૧૪ : અશાંતધારામાં આજ સુધીમાં હિન્દુ-હિન્દુ અને મુસ્લિમ - મુસ્લિમ વચ્ચેના જમીન - ફલેટ - પ્લોટ - મકાનના ખરીદ - વેચાણના વ્યવહારોની કુલ ૪૩૬ જેટલી ફાઇલોનો નિકાલ કરી દેવાયાનું સૂત્રોએ ઉમેર્યું હતું, સાધનોના કહેવા મુજબ ગઇકાલે પણ કલેકટરે આવી ૧૨ ફાઇલોનો નિકાલ કર્યો છે. આથી આવી હાલ એકપણ ફાઇલ પેન્ડીંગ નથી.

પરંતુ ૫૫ થી ૬૦ ફાઇલો એવી છે કે જે હિન્દુ - મુસ્લિમ વચ્ચે થયેલ ખરીદ - વેચાણના વ્યવહારો વાળી છે, અને આવી ફાઇલો અટકી પડતા ૨૮ સોસાયટીના આવા અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો છે, મોટાભાગની એટલે કે ૯૦ ટકા ફાઇલોમાં પોલીસનો નેગેટીવ રીપોર્ટ આવ્યો છે, અમુક તો ફાઇલો જ નથી આવી, અમુક ફાઇલોમાં મામલતદાર પોઝીટીવ હોય પરંતુ પોલીસનો અભિપ્રાય નેગેટીવ હોય કલીયર થઇ નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ૪ ફાઇલો તો એવી હતી કે જેમાં બંને અરજદારો જેન્યુઅન છે, આમ છતાં પોલીસનો રીપોર્ટ નેગેટીવ આવતા કલેકટરે આ ચારેય ફાઇલો પુનઃ વિચારણા માટે પોલીસમાં પરત મોકલવી પડી છે, આ અટકેલી ૫૫ થી ૬૦ ફાઇલો અંગે કલેકટર તંત્ર ૧૫ દિવસમાં નિર્ણય લ્યે તેવી શકયતા છે.

(3:45 pm IST)