રાજકોટ
News of Friday, 15th January 2021

ગોખલાણા પાસે ટ્રકે એકટીવાને ઉલાળતાં રાજકોટના ગોૈતમનું મોતઃ માતાને ગંભીર ઇજા

સંક્રાંત કરવા માતાને લઇ માસીને ત્યાં ઇશ્વરીયા ગયા બાદ ત્યાંથી દેવપરા મામાના ઘરે જતી વખતે બનાવ : પોપટપરાના કોળી પરિવારે એકનો એક યુવાન દિકરો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૫: જસદણના ગોખલાણા નજીક ટ્રકે એકટીવાને ઉલાળતાં રાજકોટ પોપટપરાના કોળી યુવાન અને તેના માતા ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ પુત્રએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મકરસંક્રાંતિ કરવા યુવાન પોતાના માતાને સાથે લઇ પહેલા માસીના ઘરે અને ત્યાંથી મામાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ પોપટપરા-૩/૪ના ખુણે રહેતો ગોૈતમ રણછોડભાઇ ધરજીયા (કોળી) (ઉ.વ.૧૮) સંક્રાંતની સવારે પોતાના એકટીવામાં માતા નીમુબેન રણછોડભાઇ ધરજીયા (ઉ.વ.૪૫)ને બેસાડી સંક્રાંત કરવા જસદણના ઇશ્વરીયા ગામે માસીના ઘરે ગયો હતો. ત્યાંથી મા-દિકરો મામાના ઘરે દેવપરા ગામે જવા નીકળ્યા હતાં. એ વખતે રસ્તામાં ગોખલાણા ચોકડી પાસે ટ્રકે એકટીવાને ઉલાળી દેતાં બંને ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહિ પુત્ર ગોૈતમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. એક બહેનથી નાનો અને માતા-પિતાનો એક જ પુત્ર હતો. તે છુટક મજૂરી કરતો હતો. તેના પિતા પણ મજૂરી કરે છે.   સંક્રાંતના પર્વમાં જ યુવાન અને આધારસ્તંભ દિકરો ગુમાવનારા માતા-પિતા સહિતના સ્વજનો આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

તસ્વીરમાં મૃત્યુ પામનાર ગોૈતમનો નિષ્પ્રાણ દેહ તથા સારવાર લઇ રહેલા તેના માતા નીમુબેન નજરે પડે છે.

(12:11 pm IST)