રાજકોટ
News of Friday, 15th January 2021

મલુ મંગલ સોસાયટીના પ્રમુખ દિપકભાઇ મકવાણા પર હુમલો

ખાલસા થયેલા પ્લોટમાં મકાન બનાવવાની ના પાડતાં પૂર્વ વહિવટદારના પુત્રવધુએ હુમલો કરાવ્યાનો આરોપ

રાજકોટ તા. ૧૫: કાલાવડ રોડ પર પુષ્કરધામ શાક માર્કેટ પાસે આવેલી મલુ મંગલ સોસાયટીમાં રહેતાં અને આ સોસાયટીમાં પ્રમુખ તરીકે સેવા આપતાં દિપકભાઇ હરજીવનભાઇ મકવાણા (ઉ.વ.૪૭) પર મકરસંક્રાંતિની આગલી સાંજે આંબેડકરનગરના ચંપાબેન મોહનભાઇ કટારીયા, મીતાબેન મોહનભાઇ કટારીયા તથા તેની સાથેના શખ્સોએ મળી હુમલો કરી પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

દિપકભાઇએ જણાવ્યું હતું કે આ સોસાયટીના પોતે પ્રમુખ છે. પુર્વ વહિવટદાર મલુબેન હેમાભાઇ કટારીયાના પુત્રવધુ મીનાબેન સોસાયટીમાં ખાલસા થયેલા પ્લોટ પર ચણતર કરવા માંગતા હોઇ તેની સામે નિયમ મુજબ મેં વાંધો ઉઠાવતાં તેના સહિતના લોકોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)