રાજકોટ
News of Friday, 15th January 2021

સ્ટેન્ડીંગ કમીટીની સતાનો ઉપયોગ કરી વહીવટદાર દ્વારા રપપ કરોડનાં વિકાસકામોને મંજુરી

નવા ૪ બ્રીજ ઉપરાંત રસ્તા-પેવીંગ બ્લોક-ડ્રેનેજ પાઇપ લાઇનનાં કામો તેમજ દબાણ હટાવ વિભાગ માટે ૩પ લાખના ખર્ચે પ નવા ડમ્પરો ખરીદવા સહીતની દરખાસ્તો મંજુર કરતા ઉદીત અગ્રવાલ

રાજકોટ, તા., ૧પઃ વહીવટદાર અને મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ દ્વારા શહેરમાં વિકાસકામો અટકી ન પડે તે હેતુથી આજે  તેઓને મળેલી સ્ટેન્ડીંગ કમીટીની સતાનો ઉપયોગ કરી અને કુલ રપપ કરોડનાં વિકાસકામોને મંજુરીની મહોર લગાવી હતી. જેમાં ૧પ૦ ફુટ રીંગ રોડ તથા કાલાવડ રોડ ઉપર કુલ ૪ નવા બ્રીજ સહીતનાં કામો મંજુર થયા હતા.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જાહેર કર્યા મુજબ આજે તેઓએ નાનામૌવા ચોક, કે.કે.વી. ચોક રામાપીર ચોક અને જડુસ ચોક એમ કુલ ૪ નવા બ્રીજ માટે કુલ ર૩૯ કરોડનાં કોન્ટ્રાકટ મંજુર કર્યા હતા.

આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં મેટલીંગ રોડ, પેવીંગ બ્લોક, ભુગર્ભ ગટર પાઇપ લાઇન નાંખવામાં ૩૧ જેટલા કોન્ટ્રાકટોને મંજુરી આપી હતી.

તેમજ જગ્યા રોકાણ વિભાગ માટે ૭.૩૮ લાખનું એક એવા પાંચ નવા ડમ્પર ખરીદવા ૩પ લાખનું ખર્ચ મંજુર કર્યુ હતું.

કુતરાના ખસીકરણ માટે ૧.૬પ કરોડ ખર્ચાઇ ગ્યા

આ ઉપરાંત શહેરમાં કુતરાનો ત્રાસ ઓછો કરવા રસીકરણનાં જુના કોન્ટ્રાકટનો મુદત વધારો મંજુર કરાયો હતો.

જે મુજબ પ્રત્યેક શ્વાનનાં ખસીકરણનાં રૂ. ૧૯૧ લેખે કોન્ટ્રાકટ લંબાવાયો છે.  સાથે જ પ૦૦ કુતરાનાં ખસીકરણનો ટાર્ગેટ પણ અપાયો છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા બે વર્ષમાં કુતરાનાં ખસીકરણ પાછળ રૂ. ૧.૬પનો ખર્ચ થયો છે.

(3:32 pm IST)