રાજકોટ
News of Friday, 15th January 2021

રાજકોટના ચકચારી દેહ વ્યાપારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના જામીન નામંજુર

ન્યાયાધીશ મિહીરભાઈ અમલાણીનાઓએ આરોપીઓની જામીન અરજી નામંજુર કરી

રાજકોટ,તા.૧૫: રાજકોટના એ- ડીવીજન પોલીસ સ્ટેશન દ્વારા અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમ કાયદા હેઠળ આરોપી પારસ ચુનીલાલ શાહ નાઓને  દેહ વ્યાપારના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ. આરોપી પોતાના અંગત આર્થિક લાભ સારૂ મહિલા પુરી પાડી દેહ વિક્રયનો ધંધો કરાવે છે. તેવી હકીકત મળતા ખરાઈ કરતા સત્ય જણાયેલ અને ડમી ગ્રાહકના આધારે સદર આરોપી સાથે કોન્ટેકટ કરાવી વાત કરતા મજકુરે ડમી ગ્રાહકને તમે કોઈ હોટલમાં રૂમ બુક કરાવો ત્યાં હું મહીલાને મોકલી આપીશ. તેવી વાત કરતા ડમી ગ્રાહકથી હોટલ તીલકમાં રૂમ બુક કરાવી અને તે સમયે રેડ કરતા હોટલની નીચે ઉભેલ ઈસમને પકડી પાડવામાં આવેલ.

આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપી પક્ષે જામીન મેળવવાની અરજી કરતા સરકાર પક્ષેની તથા બચાવપક્ષની દલીલો સાંભળવામાં આવેલી. ત્યારબાદ નામદાર કોર્ટે નોંધેલું કે, આરોપી વિરૂધ્ધના જે આક્ષેપો છે જે ખુબ જ ગંભીર આક્ષેપ છે અને હાલના પ્રર્વતમાન સમયમાં દેહ વ્યાપારના ગુનાઓ જેવા ગંભીર ગુનાઓનું દુષણ સમાજમાં ખુબ જ વધતું જતું હોય, જેથી આરોપી વિરૂધ્ધના આક્ષેપો જોતા ન્યાયધીશશ્રી મીહીર સુરેન્દ્રભાઈ અમલાણીનાઓએ તેઓની જામીન અરજી નામંજુર કરેલ.

તેવી જ રીતે રાજકોટ પોલીસ સ્ટેશનના એ- ડીવીજન દ્વારા આરોપી ભરત ઉર્ફે રવિ મનસુખભાઈ ગોહેલનાઓને પણ અન્ય એક ગુનામાં અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલ. આરોપી દેહ વ્યાપારના ગુનામાં સંડોવાયેલ હોય અને તેમા ઈન્ટરનેટ પર મોટુ સેકસ રેકટ ચાલતું હોય તેમાં ઝારખંડનો એક આરોપી સંડોવાયેલ હોય જેથી તેઓને પણ ડમી ગ્રાહકના આધારે ધરપકડ કરવામાં આવેલી અને રીમાન્ડની માંગણી કરવામાં આવેલ. જે નામદાર કોર્ટ દ્વારા દીન- ૪ના રીમાન્ડ આપવામાં આવેલ. રીમાન્ડનો સમય પુરો થતા આરોપી વતી જામીન અરજી રજુ કરતા તેઓની જામીન અરજી પણ ન્યાયાધીશશ્રી મીહીર સુરેન્દ્રભાઈ અમલાણીની કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલી.

(4:37 pm IST)