રાજકોટ
News of Saturday, 15th January 2022

માધાપર ચોકડીએ ગાંધીગ્રામના વિજય આહિરની કારમાં ૪ શખ્સોની તલવાર-પથ્થરથી તોડફોડ

ડિઝલ પુરાવવા મિત્ર રાજદિપ ખાચર સાથે જતાં અગાઉ રાજદિપ સાથે ડખ્ખો કરનારા સંજય, જયદિપ, કૃણાલ, સમીર તૂટી પડ્યાઃ હુમલો થતાં રાજદિપ નીકળી જતાં વિજયને ધોકા-પાઇપથી માર મારી ખૂનની ધમકી

રાજકોટ તા. ૧૫ઃ સંક્રાંતની સાંજે માધાપર ચોકડીથી બજરંગવાડી વચ્ચે શિવ પેટ્રોલીયમ નામના પંપ નજીક ગાંધીગ્રામના આહિર યુવાન પોતાના મિત્ર સાથે કારમાં પેટ્રોલ પુરાવવા ગયો ત્યારે પંપથી બહાર નીકળતાં જ બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ આંતરી કાચ તથા સાઇડમાં ધોકા-તલવાર-પથ્થર ફટકારી નુકસાન કરતાં તેમજ યુવાનને ધોકા-પાઇપ ફટકારી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. મિત્રને ચાલતાં મનદુઃખમાં આ માથાકુટ થઇ હતી.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ ૮૦ ફુટ રોડ લાખના બંગલા પાસે મુરલીધર નિવાસમાં રહેતાં અને મુરલીધર ક્રેડીટ કો.ઓપ. સોસાયટીમાં નોકરી કરતાં વિજય દેવરાજભાઇ મકવાણા (આહિર) (ઉ.૨૯)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામના સંજય બારૈયા ઉર્ફ ભુરો, જયદિપ બારોટ ઉર્ફ નાનો ભુરો, કૃણાલ ચગ અને સમીર સામે ગુનો નોંધ્યો છે.

વિજય મકવાણાએ જણાવ્યું હતું કે સંક્રાંતની સંજે સાડા સાતેક વાગ્યે હું મારી કિયા કાર જીજે૦૩એમઇ-૦૭૦૭ લઇને મધાપર ચોકડીથી બજરંગવાડી વચ્ચે આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા ગયો હતો. સાથે મારો મિત્ર ગાંધીગ્રામનો રાજદિપભાઇ અનકુભાઇ ખાચર પણ બેઠો હતો. અમે ઇંધણ પુરાવી બહાર નીકળ્યા ત્યાં જ સામે  બે બાઇકમાં સંજય, જયદિપ, કૃણાલ અને સમીર આવ્યા હતાં અને અમારી કાર આડે બાઇક નાખી કાર ઉભી રખાવી હતી.

આ વખતે મિત્ર રાજદિપભાઇ બહાર નીકળતાં આ લોકો તેના પર તલવાર, ધોકા, પાઇપથી હુમલો કરવા આવતાં તે બચીને ત્યાંથી નીકળી જતાં ચારેયએ મારી કારના આગળના કાચમાં તલવારનો ઘા કરી તેમજ દરવાજાઓમાં પથ્થરમારો કરી નુકસાન કરી મને પણ ધોકા-પાઇપથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ શખ્સો મારા મિત્ર રાજદિપભાઇના પડોશમાં રહે છે. તે અગાઉ શેરીમાં ગાળો બોલતાં હોઇ રાજદિપભાઇએ તેને ન પાડતાં માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. હેડકોન્સ. રવિભાઇ વાસદેવાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(2:50 pm IST)