રાજકોટ
News of Saturday, 15th January 2022

હું ભીસ્તીવાડનો ડોન, મારા પૈસા ન હોય...

જંકશનમાં ચા પીધા બાદ તૈયબની દાદાગીરીઃ પોલીસે હવા કાઢી

બેંક ઓફ બરોડા પાસે થડો રાખી ચા વેંચતા રેલનગરના દેવા ટારીયાએ ચાના પૈસા માંગતા છરી બતાવી ધમકી

રાજકોટ તા. ૧૫ઃ મકર સંક્રાંતિના તહેવારની સવારે જંકશન પ્લોટ મેઇન રોડ પર ભીસ્તીવાડના સંધી શખ્સે દાદાગીરી આચરી ચા પીધા બાદ ચાના થડાવાળા ભરવાડ યુવાનને 'હું ભીસ્તીવાડનો ડોન છું, મારા પૈસા ન હોય' કહી છરી બતાવી મારી નાંખવાની ધમકી આપતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર આસ્થા ચોકની પાછળ બાલા હનુમાન મંદિરની બાજુમાં ભરવાડના વાડા પાસે રહેતાં અને જંકશન મેઇન રોડ પર બેંક ઓફ બરોડા પાસે ચનો થડો રાખી ધંધો કરતાં દેવા બચુભાઇ ટારીયા (ઉ.૨૫) નામના ભરવાડ યુવાનની ફરિયાદ પરથી ભીસ્તીવાડના તૈયબ હાજીભાઇ સંધી સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો છે.

દેવા ટારીયાએ પોલીસને જણાવ્યું છે કે સંક્રાંતિના તહેવારને દિવસે સવારે સવા દસેક વાગ્યે હું મારા ચાના થડા પર મારા માણસો સાથે હતો ત્યારે ભીસ્તીવાડમાં રહેતો તૈયબ સંધી મારી પાસે આવ્યો હતો અને 'અડધી ચા આપ' તેમ કહેતાં મેં તેને અડધી ચા આપી હતી. એ પછી તેની પાસે ચાના પૈસા માંગતા તેણે 'ચાના પૈસા નથી આપવા તારાથી થાય એ કરી લેજે' તેમ કહી બોલાચાલી કરી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને 'હું ભીસ્તીવાડનો ડોન છું' કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી મને બતાવી હતી અને 'હવે પછી બીજીવાર જો મારી પાસેથી ચાના પૈસા માંગ્યા છે તો જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી. મેં રાડારાડી કરતાં માણસો ભેગા થઇ જતાં તૈયબ ભાગી ગયો હતો.

પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરી હેડકોન્સ. કલ્પેશસિંહ એન. ગોહિલ અને આનંદભાઇએ ગુનો નોંધી તૈયબ હાજીભાઇ જુણેજા (ઉ.૪૯-રહે. ભીસ્તીવાડ)ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ શખ્સ અગાઉ પણ માથાકુટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયાનું જણાવાયું હતું.

(2:52 pm IST)