રાજકોટ
News of Saturday, 15th January 2022

વિંછીયાના મોઢુકામાં વાડીમાં ઇલેકટ્રીક લાઇન નાખવા જતા પીજીવીસીએલની ટીમ પર હૂમલોઃ ફરજમાં રૃકાવટનો ગુનો

શિવુબેન ધોરીયાની વાડીમાં વીજ કનેકશન નાખવા જતા ડખ્ખો થયોઃ બાજુની વાડી ધરાવતા હાથસણી ગામના છના ધોરીયા, પ્રકાશ ધોરીયા, મહેશ ધોરીયા, ગવુ ધોરીયા અને પુની ધોરીયાએ માથાકુટ કરી પથ્થરના ઘા કર્યા

 

રાજકોટ તા. ૧પ ઃ.. વિંછીયાના મોઢુકા ગામ પાસે આવેલી વાડીમાં ઇલેકટ્રીક લાઇન નાખવા ગયેલી પીજીવીસીએલની ટીમ સાથે બાજુની વાડી ધરાવતા છના ભીમભાઇ ધોરીયા સહિત પાંચ શખ્સોએ ઝપાઝપી કરી પથ્થરના ઘા કરી ફરજમાં રૃકાવટ કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભીલોડા તાલુકાના કમઠાળીયા ગામે રહેતા અને હાલમાં વિંછીયા પીજીવીસીએલ ઓફીસમાં જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કુંદનબેન રમેશભાઇ બુવલે વિંછીયા પોલીસ મથકમાં વિંછીયાના હાથસણી ગામના છના ભીમાભાઇ ધોરીયા, પ્રકાશ રણછોડભાઇ ધોરીયા, મહેશ રણછોડભાઇ ધોરીયા, ગવુ છના ધોરીયા અને પુની હસુભાઇ ધોરીયા, સામે ફરીયાદ નોૅધાવી છે. પીજીવીસીએલના જૂનીયર એન્જીનીયર કુંદનબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ગઇકાલે ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ પ્રદિપભાઇ ભોજાભાઇ ડોલેરા તથા લાઇન ઇન્સ્પેકટર કાવજીભાઇ વિશરામભાઇ પાંડોર, તથા ઇલેકટ્રીક લાઇન ઉભી કરવા માટેના કોન્ટ્રાકટર પ્રતાપભાઇ જગુભાઇ બચીયા અને મજૂરો સાથે મોઢુકા ગામના શિવુબેન ઝીણાભાઇ ધોરીયાએ ખેતીવાડી સર્વે નં. ૯૭ પૈકીની ખેતીવાડીનું વીજ કનેકશનની અરજી તા. ર૯-૧ર-૧૭ થી માંગણી કરી હતી જે ઇલેકટ્રીક લાઇન મુળાભાઇ રૃપાભાઇ ખીંટની વાડીમાં એક પોલ આવે તે રીતે સર્વે કરવામાં આવેલ જે સર્વે આધારે મુળાભાઇ રૃખાભાઇ ખીંટે વાંધો ઉઠાવેલ જે બાબતે જસદણ પ્રાંત અધિકારીની કચેરીમાં તા. ૭-૭-ર૦ થી મોકલી આપી હતી જે નાયબ કલેકટર અને જસદણ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા વીજ કનેકશનના સર્વે રૃટ નં. ૨ મુજબ લાઇન પસાર કરવાનો હુકમ કરવામાં આવેલ જે હુકમ આધારે સ્થળ પર કામ કરવા જતા ત્યાં સ્થાનીક માણસો દ્વારા કામ ન કરવા દેતા વિંછીયા જીઇબીના નાયબ ઇજનેર દ્વારા પોલીસ અધિક્ષકને રક્ષણ આપવા બાબતે અરજી કરવામાં આવી હતી. બાદ ગઇ કાલે પોતે સ્ટાફ સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે જસદણ પ્રાંત કચેરીના હુકમ મુજબ લાઇન ઉભી કરવા માટે મોઢુકા ગામે ગયા હતા. ત્યાં મજૂરો લાઇન ઉભી કરી પોલ સાથે તાર બાંધતા હતા. ત્યારે ત્યાં બીજા પોલેથી વીજ કનેકશન જોડવાનું હતું. ત્યારે વાડીવાળા છના ભીમાભાઇ ધોરીયા તથા તેની સાથે બે મહિલાઓ અને પોતાની સાથે તથા તમામ સ્ટાફ સાથે બોલાચાલી કરવા લાગેલ અને વીજ કનેકશન જોડવાની ના પાડેલ અને માથાકૂટ કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા તેને અટકાવવા જતા પાંચેય શખ્સોએ પથ્થરના ઘા કરવા લાગ્યા હતા. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ અંગે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાથસણી ગામના છના ભીમાભાઇ ધોરીયા, પ્રકાશ રણછોડભાઇ ધોરીયા મહેશ રણછોડભાઇ ધોરીયા, ગવું છનાભાઇ ધોરીયા અને પુની હસુભાઇ ધોરીયા વિરૃધ્ધ ફરજમાં રૃકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ આર.કે.ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)