રાજકોટ
News of Monday, 15th February 2021

વિજયભાઇ ખુબ ઝડપથી સ્વસ્થ થઇ ફરી ગુજરાતની ધુરા સંભાળી લેશે : રાજુ ધ્રુવ

ગુજરાતની પ્રજાના આશીર્વાદ જેમની સાથે હોય તેમને કયારેય આંચ ન આવે

રાજકોટ તા. ૧૫ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરાની જાહેરસભા સંબોધતા હતા ત્યારે અચાનક એમનું સ્વાસ્થ્ય બગડયુ હતુ અને ગણતરીની મિનિટોમાં તેઓ પુનઃ સ્વસ્થ થયા હતા.  ત્યારે એમના સારા સ્વાસ્થ્ય માટે ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા અને વિજયભાઈની સાથે પચ્ચીસ વર્ષથી પણ વધુ સમયથી આત્મીયતાથી સંકળાયેલા રાજુભાઇ ધ્રુવે મંગળ કામના કરી છે.

ભાજપનાં અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબિયત હાલ સારી છે. મુખ્યમંત્રીશ્રીનું બ્લડ પ્રેશર-લો થયું હતું. યુ.એન.મહેતા હોસ્પિટલમાં ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવતા તેઓ હવે સ્વસ્થ છે. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને ૨૪ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતની જનતાનાં આશીર્વાદ તેમની સાથે છે, તેમનાં સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થનાઓ થઈ રહી છે. તેઓ થોડા સમયમાં ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ફરી ગુજરાતનાં વિકાસને અગ્રેસર કરવાની કામગીરી શરૂ કરી દેશે. તેવો ભાવ રાજુભાઇ ધ્રુવે વ્યકત કર્યો છે.

ગુજરાત અને ગુજરાતની જનતાના વિકાસ અને વિજયનો ભેખ ધરીને સૌના સાથ સાથે સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસનો માર્ગ વિજયભાઈ રૂપાણી પ્રશસ્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી બાદ વિજયભાઈ રૂપાણીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ગુજરાતના ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે આલેખાશે જેનું કારણ છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ દિવસ-રાત જન સમર્પિત કાર્યશૈલી. સતત શ્રમ અને પરિશ્રમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિકાસનાં પંથે અગ્રેસર હતા, છે અને રહેશે. તેમ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરતા અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે.

(3:21 pm IST)