રાજકોટ
News of Thursday, 15th April 2021

રાજકોટના વેપારી સંગઠનો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળ્યાઃ કાલથી ત્રણ દિ' બંધ

વોર્ડ નં. ૧૬ નાં ક્ષોરકર્મ ધંધાર્થી (હેર ડ્રેસર) આજથી તા. ૧૮ સુધી દુકાનો બંધ રાખશેઃ ભકિતનગર-રજપૂતપરામાં ગંગા એન્ટરપ્રાઇઝ ગ્રુપની તમામ શાખા ર૦મી સુધી બંધ રહેશેઃ દાણાપીઠ-સોની બજારનાં વેપારીઓ-ટ્રાન્સપોર્ટરોએ પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી દીધુ છે

રાજકોટ તા. ૧પ :.. શહેરમાં કોરોનાં સંક્રમણ અત્યંત વધી રહ્યુ હોઇ હવે શહેરનાં વેપારી સંગઠનો જાતે જ સ્વૈચ્છીક લોક ડાઉન તરફ વળવા લાગ્યા છે. શહેરની દાણાપીઠ - પરાબજાર તેમજ ટ્રાન્સપોર્ટરોએ તા. ર૦ મી સુધી સ્વૈચ્છીક બંધની જાહેરાત ગઇ કાલથી કરી દીધી છે. અને હવે ક્ષૌરકર્મ ધંધાર્થીઓ તેમજ પ્લાસ્ટીક હોલસેલર્સ વગેરે પણ સ્વૈચ્છીક લોક ડાઉન તરફ વળ્યા છે.

ક્ષૌરકર્મ ધંધાર્થી સમિતિ, વોર્ડ નં. ૧૬ દ્વારા આજથી  સળંગ ત્રણ દિવસ ધંધા-રોજગાર બંધ

ક્ષૌરકર્મ ધંધાર્થી સમિતિ વોર્ડ નં.૧૬ના પ્રમુખ કલ્પેશભાઇ ગોંડલીયા તેમ અગ્રણી રાજ ધામેલીયાની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાની મહામારીમાં સમગ્ર શહેર સપડાયું હોય, કોરોનાની આ ચેઇન તોડવાના ભાગરૂપે ક્ષૌરકર્મ ધંધાર્થી સમિતિ, વોર્ડ નં. ૧૬, કોઠારીયા મેઇન રોડ, ૮૦ ફુટ રોડ, હુડકો પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં ક્ષૌરધર્મ ધંધાર્થીઓ દ્વારા આજે તા. ૧૫/૪ થી સળંગ ૩ દિવસ સ્વૈચ્છીક રીતે ધંધા -રોજગાર બંધ રાખવામાં આવશે.  અને રવિવાર તા. ૧૮/૪ થી દુકાનો માત્ર સવારે ૮ થી બપોરે ૨ સુધી જ ચાલુ રાખવામાં આવશે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં કલ્પેશ ગોહેલ, મનીષભાઇ ગોહેલ, ધવલભાઇ ગોહેલ, રવિ ગોંડલીયા, કેતનભાઇ ગોંડલીયા, સુરેશભાઇ વિંધાણી, જીજ્ઞેશભાઇ લંગારીયા, જીતુભાઇ વાજા, સુરેશભાઇ, વિનય હિરાણી, તેજશભાઇ લિંબણી, ચંદુભાઇ વિંધાણી, વિવેકભાઇ ચુડાસમા સહિતના જોડાશે.

સ્વૈચ્છીક લોકડાઉન

દરેક ગ્રાહક તથા વેપારી મિત્રોને જણાવવાનું કે ગંગા એન્ટરપ્રાઇઝ-રજપુતપરા મેઇન રોડ -રાજકોટ ગંગા માર્કેટીંગ કાું. રજપુતપરા મેઇન રોડ-રાજકોટ ગંગા પ્લાસ્ટીક મોલ- ૨ ભકિતનગર સ્ટેશન પ્લોટ -રાજકોટ દ્વાા તા. ૧૬ થી તા. ૨૦ સુધી સંપૂર્ણ બંધ પાળવામાં આવશે  જેની ખાસ નોંધ લેવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

ફરીવાર અગાઉ કરતા પણ કોરોના મહામારીની વધુ ભયાવહ સ્થિતી સર્જાતા લોકો પોતાના ધંધા-રોજગારનો ભોગ આપીને સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા છે. આજે ટ્રાન્સપોર્ટરો, સોની બજાર, દાણાપીઠ સહિતની બજારોના એસોસીએશનોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

આ સ્થિતીમાં આશરે ૭૦૦ જેટલા ટ્રાન્સપોર્ટરોએ આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. તો દાણાપીઠ દુકાનો પણ અર્ધો દિવસ બંધ રખાશે. કહ્યું કે હવે બિમાર પડીએ તો દવા કે હોસ્પિટલમાં બેડની પણ તંગી છે એટલે જીવતા રહેવુ મહત્વનું છે.

અન્ય વેપારીઓ પણ બંધ પાળે

જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું કે આગામી શનિવાર અને રવિવારે વેપારીઓ જાતે જ સમજીને દુકાનો સજ્જડ બંધ રાખે, કોરોનાની ચેન તોડવા આ સિવાયનો કોઇ રસ્તો નથી.

(3:31 pm IST)