રાજકોટ
News of Saturday, 15th May 2021

'મારો વોર્ડ કોરોના મુકત' : મહાનગરોમાં સરકારનું નવુ અભિયાન

પ્રભારી મંત્રીથી લઇ મ.ન.પા.ના કમિટિ ચેરમેનોને જવાબદારી સુપ્રત : વોર્ડમાં કોરોના ટેસ્ટીંગ, સારવાર, સેનેટાઇઝેશન અને કોરન્ટાઇન સુધીની કામગીરીનું સંકલન કરવા સુચના : દરરોજ રીપોર્ટીંગ કરવું પડશે : શહેરી વિકાસ વિભાગે તમામ મહાપાલિકાઓને પરિપત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧૫ : રાજ્યમાં કોરોનાના આતંકનો સામનો કરી રહેલ રાજ્ય સરકારે 'મારૂ ગામ કોરોના મુકત' અભિયાન શરૂ કર્યા બાદ હવેથી રાજ્યની મહાનગરપાલિકાઓના કાર્યક્ષેત્રમાં 'મારો વોર્ડ કોરોના મુકત' અભિયાન શરૂ કરવા શહેરી વિકાસ વિભાગ તમામ મ.ન.પા.ના મ્યુ. કમિશનરો તથા મેયરશ્રીઓને પરિપત્ર પાઠવ્યો છે.

આ પરિપત્રમાં જણાવાયું છે કે, રાજયમાં કોરોનાનુ સંક્રમણ અટકે અને નાગરિકો સુરક્ષિત થાય તે આશયથી રાજય સરકારે 'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરલ છે. રાજયમાં કોરોના સંક્રમણનો પોઝીટીવીટી રેટ ઘટે તે માટે હેલ્થ કેર ફેસિલીટી જેમ કે બેડની (ઓકિસજન સહિત) ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર અંગેની માહિતી, અગ્નિશમન વ્યવસ્થાપન, વેકસીનેશન, સેનીટેશન, ટેસ્ટીંગની સુવિધા, આઇસોલેશન માટેની સુવિધાઓનું યોગ્ય મોનીટરીંગ કરી અને તે માટેની સુચારૂ વ્યવસ્થા થઇ શકે તેમજ આવનાર સમય માટે આગોતરૂ આયોજન થઇ શકે તે હેતુથી રાજય સરકારે જુદી જુદી સૂચનાઓ આપી છે. પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર મુજબ કોવિડ-૧૯ના હોમ આઇસોલેશન દર્દીઓથી ઘરના અન્ય સદસ્યોને સંક્રમણ થતું અટકાવવા માટે લોકભાગીદારીથી શહેરી વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અંગેની સૂચનાઓ આપેલ છે. જેનો અસરકારક અમલ અને મોનીટરીંગ થઇ શકે તે માટે મહાનગરપાલિકા/નગરપાલિકાના પ્રભારી, ઇન્ચાર્જ મંત્રીશ્રી, મેયર, પ્રમુખ, ડે મેયર, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, અન્ય કમિટી ચેરમેન - અધિકારી દ્વારા 'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' માટેની વ્યવસ્થા કરવા અને તેની સમીક્ષા હાથ ધરવાની કાર્યવાહી કરવાની રહેશે.

જેમાં 'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાનની કામગીરી માટે મહાનગરપાલિકામાં નોડલ અધિકારીની નિમણુંક મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ કરવાની રહેશે. નગરપાલિકાની આ કામગીરી માટે ચીફ ઓફિસરશ્રી નોડલ અધિકારી રહેશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાન અંતર્ગત કોવિડ કેર સેન્ટરની વોર્ડવાર પ્રભારી / ઇન્ચાર્જ મંત્રીશ્રી / મેયર / પ્રમુખ / ડે.મેયર / ઉપપ્રમુખ / સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન / અન્ય કમિટી ચેરમેન / અધિકારી દ્વારા મુલાકાત કરવા માટેના કાર્યક્રમની તારીખવાર રૂપરેખા મહાનગરપાલિકા/નગરપાલિકાના નોડલ અધિકારીશ્રીએ ઉકત મહાનુભાવોના સંકલનમાં અને તેમની સૂચના પ્રમાણે કરવાની રહેશે.

મહાનગરપાલિકા/નગરપાલિકાના પ્રભારી/ઇન્ચાર્જ મંત્રીશ્રી/મેયર/પ્રમુખ/ડે.મેયર/ ઉપપ્રમુખ/સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન/અન્ય કમિટી ચેરમેન/અધિકારી દ્વારા 'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ'ની મુલાકાત સમયે મહાનગરપાલિકાએ આ સાથે સામેલ પત્રક-૧ મુજબની વિગતો તૈયાર કરીને તેઓને આપવાની રહેશે. જયારે નગરપાલિકાએ પત્રક-ર મુજબની વિગતો તૈયાર કરીને તેઓને આપવાની રહેશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાન અંતર્ગત ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરીની સમીક્ષા ઇન્ચાર્જ મંત્રીશ્રી હાથ ધરશે. આ કામગીરીની સમીક્ષા સ્થાનિક સ્વરાજયની સંસ્થાના ચૂંટાયેલ પ્રતિનિધિઓને સાથે રાખીને કરશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાન અંતર્ગત આયુર્વેદિક અને હોમિયોપેથીક કીટના વિતરણ બાબતે સમીક્ષા કરવામાં આવશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા અને નગરપાલિકાએ સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવાની રહેશે અને આ કામગીરીની સમીક્ષા આવનાર પદાધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાન અંતર્ગત ઇન્ચાર્જ મંત્રીશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓની મુલાકાત દરમ્યાન જનભાગીદારીથી ચાલતા કોવિડ કેર સેન્ટરના વ્યવસ્થાપન અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' અભિયાન અંતર્ગત ઇન્ચાર્જ મંત્રીશ્રીની મુલાકાત દરમ્યાન સ્થાનિક સ્વરાજયની સંસ્થાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે પણ બેઠકનું આયોજન કરવાનું રહેશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ'ની મહાનગરપાલિકા/નગરપાલિકાના પ્રભારી/ ઇન્ચાર્જ મંત્રીશ્રી/મેયર/પ્રમુખ/ડે.મેયર/ઉપપ્રમુખ/સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન/અન્ય કમિટી ચેરમેન/અધિકારી મુલાકાત લે ત્યારે મુલાકાત લેનાર પદાધિકારી/ અધિકારીના દરજ્જાને ધ્યાને લઇને મ્યુનિસિપલ કમિશનર/મેડીકલ ઓફિસર/ચીફ ઓફિસર/અધિક્ષક/સીવીલ સર્જન વિગેરે જવાબદાર અધિકારીએ સાથે રહેવાનું રહેશે.

'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ'ની સમગ્ર કામગીરી મહાનગરપાલિકા/નગરપાલિકાના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ એકબીજાના સંકલનમાં કરવાની રહેશે.

 'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ'ની મુલાકાત લેનાર પદાધિકારી/અધિકારીઓને કેન્દ્ર - રાજય સરકારની કોવિડ-૧૯ની અદ્યતન પ્રોટોકોલની વિગતો જેવી કે, વેકસીનેશન, આરટીપીસીઆર ટેસ્ટ કયારે કરાવવો, એન્ટીબાયોટીકસનો ઉપયોગ, હોસ્પિટલાઇઝેશન કયારે કરાવવું વિગેરે વિગતોથી માહિતગાર કરવાના રહેશે.

મહાનગરપાલિકાના નોડલ અધિકારીશ્રીએ 'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ'ની મુલાકાત લેનાર પદાધિકારીઓ - અધિકારીઓની વિગતો રોજબરોજ (જાહેર રજાઓ સહિત) આ સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને જણાવવાની રહેશે.

(2:52 pm IST)