રાજકોટ
News of Saturday, 15th May 2021

વાવાઝોડામાં ખાનગી હોર્ડીંગ્સ બોર્ડ તૂટશે તો એડ એજન્સીઓની જવાબદારીઃ ચકાસણી કરાવવા નોટીસો

૧૭મીએ ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડુ ફુંકાવાનું હોય હોર્ડીંગ્સમાં વિન્ડો-સ્ટ્રકચર મજબૂત કરવા સહિતની સૂચનાઓ આપતી મ.ન.પા.

રાજકોટ, તા. ૧૫ :. આગામી તા. ૧૭મીના સૌરાષ્ટ્રમાં ૧૦૦ કિ.મી.ની ઝડપ સાથે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી સંદર્ભે મ.ન.પા. તંત્ર એલર્ટ થયુ છે અને તેના ભાગરૂપે શહેરમાં લાગેલા ખાનગી હોર્ડીંગ્સ બોર્ડને મજબૂત કરી લેવા અથવા નબળા હોર્ડીંગ્સ ઉતરાવી લેવા અંગે શહેરની ખાનગી એડ એજન્સીઓને નોટીસો ફટકારવામાં આવી છે.

આ નોટીસમાં જણાવાયુ છે કે, સરકારશ્રીના હવામાન વિભાગની સૂચના અનુસાર તા. ૧૭-૫-૨૧ના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર 'ટૌકતે' વાવાઝોડુ પસાર થનાર છે અને આ વાવાઝોડામાં પવનની ઝડપ ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકથી પણ વધુની રહેવા સંભાવના છે. જે ધ્યાને લેતા શહેરમાં આવેલ તમામ હોર્ડીંગ બોર્ડની સલામતી સુનિશ્ચિત કરવી અત્યંત આવશ્યક છે.

વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લેતા તમામ હોર્ડીંગ બોર્ડના ફલેકસ, પેનલ અને સ્ટ્રકચર અચુક તપાસી લેવા અને ઉકત પરિસ્થિતિમાં જે હોર્ડીંગ બોર્ડના ફલેકસ, પેનલ કે સ્ટ્રકચર સલામત રહી શકે તેમ ન હોય તે તાત્કાલીક અસરથી દૂર કરવા કાર્યવાહી કરવા આથી તમામ એડવર્ટાઈઝીંગ એજન્સીઓ તથા ખાનગી મિલ્કતના હોર્ડીંગ બોર્ડ ધારકોને સૂચના આપવામાં આવે છે. ઉપરાંત મોટી સાઈઝના ડીસ્પ્લેમાં સલામતીના ભાગરૂપે વચ્ચેના ભાગે વિન્ડો અચૂક મુકવા પણ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે.

આ સૂચનાનું તમામ એડ એજન્સીઓ તથા ખાનગી મિલ્કતના હોર્ડીંગ બોર્ડ ધારકોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. જે એડ એજન્સી દ્વારા આ સૂચના અન્વયે કાર્યવાહી નહી કરવામાં આવે અને વાવાઝોડાના કારણે કોઈ હોર્ડીંગ બોર્ડ પડવાથી જાનહાનિ કે અન્ય નુકશાન થવા પામશે તો તે અંગેની સઘળી જવાબદારી જે તે એડ એજન્સી અને ખાનગી મિલ્કતના હોર્ડીંગ બોર્ડ ધારકની અંગત રહેશે જેની ખાસ નોંધ લેશો.

(4:16 pm IST)