રાજકોટ
News of Saturday, 15th May 2021

૧ જુનથી વિજ કર્મચારીઓનું 'વક ર્ટુ રૂલ' અસહકાર આંદોલનઃ કામદાર સંઘની ચિમકી

બઢતી-ભરતી-બદલી સહીતના પ્રશ્નો અંગે અવાર-નવાર રજુઆત છતા કોઇ માંગ પૂરી નહીં થતા ૧પદી'નું અલ્ટીમેટમ

રાજકોટ તા.૧પ : પશ્ચિમ ગુજરાત વિજ કંપનીના કર્મચારીઓ આગામી તા.૧ જુનથી ''વર્ક ટુ રૂલ'' અસહકાર આંદોન પર ઉતરશે તેવી ચિમકી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે ઉચ્ચારી આ બાબતે વિજ કંપનીના એમ.ડી.ને ૧પ દિ'નું અલ્ટીમેટમ આપ્યું છે.

આ અંગે વિજકંપનીના એમ.ડી.ને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ પીજીવીસીએલ કંપનીમાં ૯૦૦૦ જેટલા સભ્ય સંખ્યા સાથે સૌથી મોટુ માન્યતા પ્રાપ્ત યુનિયન છે અને હંમેશા કંપનીના હિતોની સાથે કર્મચારીઓના હક્કો અને હિતોનું રક્ષણ કરી રહ્યું છે. તથા કંપનીના વીજ ગ્રાહકોને અવિરત વીજ સેવાઓ મળી રહે અને સરકારની તમામ યોજનાઓ સમયસર પુરી કરવામાં અપુરતા સ્ટાફ અને અસહ્ય કાર્યબોજ હોવા છતા અને મોટા પ્રમાણમાં વર્ગ-૩ એન્ડ ૪ ની ખાલી જગ્યાઓ હોવા ઉપરાંત હાલમાં ચાલી રહેલ ગંભીર બિમારીના સમયમાં અત્યાર સુધી કુલ ૪પ થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઇ મોતને ભેટયા છે તેમજ કુલ ૧પ૦૦ થી વધુ કર્મચારીઓ કોરોનાથી અનુક્રમે સંક્રમિત અને કોરોન્ટાઇન-આઇસોલેશન થયેલ છે કંપની હિતમાં કોરોનાની મહામારીના સમયમાં પણ ઉમદા કામગીરી કરવા સતત પ્રોત્સાહિત કરેલ છે.

છતાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રયાસોની મેનેજમેન્ટને પુરતી કદર નથી તેવી લાગણી પીજીવીસીએલના કર્મચારીઓ વ્યકત કરી છે અને તેમનું ભયંકર શોષણ થઇ રહ્યું છે તેવો ઘેરો અસંતોષ વ્યાપેલ છે કારણ કે કર્મચારીઓના ૧પ જેટલા ગંભીરી પ્રશ્નોની અવાર-નવાર લેખિત રજુઆતો કરવા છતાં એચ.આર.વિભાગ તરફથી કોઇ સકારાત્મક પરિણામ મળેલ નથી જે ખુબજ ગંભીર બાબત છે.

અંગે સંઘ દ્વારા સમયાંતરે લેખિત રજુઆતો નોટીસ અને પત્રોરૂપે કરવામાં આવેલ હોવા છતા કંપનીના એચ.આર. મેનેજમેન્ટ દ્વારા કોઇ નિર્ણય કરવામાં આવેલ નથી જેના પરિણામે ફિલ્ડમાં કામગીરી કરતા ટેનીકલ સ્ટાફ અને નોન-ટેકિનકલ સ્ટાફમાં ઘેરો અસંતોષ ફેલાયેલ છે જેની ગંભીરતા ધ્યાને લઇ ઉકત મુદાઓનું નિરાકરણ દિવસ-પંદર માં કરવા જણાવવામાં આવે છે અન્યથા કર્મચારીઓના સામુહિક હિતોનું સામુહિક રક્ષણ કરવા તા. ૧/૬/ર૦ર૧ ના રોજથી વર્ક -ટૂ રૂલ સાથે અસહકાર આંદોલન ચાલુ કરવાની ફરજ પડશે. તેમજ આગામી સમયમાંથી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમજ તેના લીધે જે પણ ગંભીર પરિસ્થિતિ હાલના કોરોના મહામારીના સમયમાં ઉદ્દભવશે જેની સમગ્ર જવાબદારી મેનેજમેન્ટની રહેશે જેની ગંભીર નોંધ લેશોજી. તેવી ચીમકી આવેદનના અંગે ઉચ્ચારાઇ છે

(4:18 pm IST)