રાજકોટ
News of Saturday, 15th May 2021

ચોમાસુ નજીક હોય માર્કેટયાર્ડ વહેલી તકે ખોલી નાખોઃ ભારતીય કિસાન સંઘની માંગ

ખેડુતોની મુશ્કેલીનો હલ લાવવા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧પઃ કોરોનાના સમયમાં ઘણા દિવસથી માર્કેટિંગયાર્ડને બંધ કરવામાં આવેલ હોય ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ છે, ખેડૂતોને કોઇપણ પ્રકારનો માસિક પગાર હોતો નથી. તેને પોતાની જણસો વહેંચી તેના પરિવારની આર્થીક વ્યવસ્થાની ગોઠવણી કરતા હોય છે. આવા સમયે માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાના હિસાબે તેમના પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધતી હોય છે જેથી વહેલી તકે માર્કેટયાર્ડ ખોલી નાખવા ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઇ છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ રાજકોટ સીટીથી દુર બેડી ગામની બાજુમાં એક ખુલ્લા અને વિશાળ જગ્યાએ બનેલું છે. તો આવા કોરોના સમયમાં સોશિયલ ડીસ્ટન્ટ ધ્યાનમાં રાખીને નાના-મોટા નિયમો બનાવીને ધીમે-ધીમે માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવું જોઇએ. છેલ્લા બે વર્ષથી ઘણી વખત તેમજ ઘણા સમય માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાના કારણે ખેડૂતો, મજુરોઅ ને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ છે. જો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય તો આવા કપરા સમયમાં આ દરેક લોકોને રાહત મળે.

માથે ચોમાસુ જળુંબી રહ્યું હોય જણસોનો સમયસર નિકાલ કરવા યાર્ડ ખોલી નાખવા ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખિયા, રમેશભાઇ ચોવટિયા, પ્રભુદાસભાઇ મણવર, મનોજભાઇ ડોબરિયા, મધુભાઇ પાંભર, જીવનભાઇ વાછાણી, ભરતભાઇ પીપળીયા, ભુપતભાઇ કાકડિયા, વિઠલભાઇ બાલધા, મહિપાલસિંહ જાડેજા, રતિભાઇ ઠુંમર, બચુભાઇ ધામી, ધર્મેશભાઇ સોરઠીયા, જીતુભાઇ સંતોકી, શૈલેસભાઇ સીદપરા, ભાવેશભાઇ રૈયાણી, અશોકભાઇ મોલિયા, જાગાભાઇ ઝાપડિયા, કિશોરભાઇ લકકડ, વિનુભાઇ દેસાઇ, રમેશભાઇ લકકી, ઝાલાભાઇ રાતડીયા, વિપુલભાઇ સુદાણી, જમનભાઇ પાગડા તેમજ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ, પશુપાલકો તેમજ ખેડૂતો વતી વિનંતી કરી છે.

(4:19 pm IST)