રાજકોટ
News of Wednesday, 15th September 2021

વેબસાઇટ મારફત સાત માસ પહેલા જ લગ્ન કર્યા'તા

પતિ પંદર દિવસથી તરછોડીને જતો રહેતાં લાભદીપ સોસાયટીમાં હેતલબેને ઝેર પીધું

વાળંદ મહિલાએ દિવ્યેશ પટેલ સાથે બીજા લગ્ન કર્યા છેઃ દિવ્યેશના આ ચોથા લગ્ન

રાજકોટ તા. ૧૫: મવડી ચોકડી પાસે લાભદિપ સોસાયટી-૬માં રહેતાં હેતલબેન દિવ્યેશ વસાણી (ઉ.૩૩) નામના મહિલાએ રાતે એકાદ વાગ્યે ઘઉંમાં રાખવાની ટીકડી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના આર. એસ. સાંબડે તાલુકા પોલીસને જાણ કરી હતી.

હેતલબેનના માતા ભાનુબેન રાજેશભાઇ પરમાર (વાળંદ) ક્રિષ્ના પાર્કમાં રહે છે. તેમણે કહ્યું હતું કે દિકરી હેતલના લાભદીપમાં રહેતાં અને પાનનો ગલ્લો ધરાવતાં દિવ્યેશ વસાણી (પટેલ) સાથે આ બીજા લગ્ન છે. જ્યારે દિવ્યેશના આ ચોથા લગ્ન છે. બંનેનો પરિચય જીવનસાથી.કોમ નામની વેબસાઇટ મારફત થયો હતો અને એકબીજાને પસંદ કર્યા બાદ સાત માસ પહેલાજ પરિવારજનોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરાવાયા હતાં. પરંતુ છેલ્લા પંદરેક દિવસથી પતિ દિવ્યેશ તેણીને મુકીને જતો રહ્યો હોઇ અને ફોન પણ બંધ આવતો હોઇ હેતલને માઠુ લાગતાં તેણે ઝેરી દવા પી લીધી હતી.  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(11:40 am IST)