રાજકોટ
News of Wednesday, 15th September 2021

રાજકોટમાં સગીર મંગેતર ઉપર બળાત્કાર ગુજારી આપઘાતની ફરજ પાડવા અંગે આરોપીને ૧૦ વર્ષની સજા

સગાઇ બાદ ઘરે બોલાવી સગીરા સાથે શરીર સંબંધ બંધાવી ગર્ભવતી બનાવી લગ્ન કરવાનો ઇન્કાર કરતા સગીરાએ સળગી જઇને આપઘાત કરી લીધો હતો : મૃતકના મરણોત્તર નિવેદનથી ફરિયાદ પક્ષનો કેસ પુરવાર થાય છે : સરકારી વકીલ બિનલબેન રવેશીયાની દલીલો ધ્યાને લઇને આરોપીને બળાત્કાર - પોકસો - આપઘાતની ફરજ પાડવાના આરોપમાં ૧૦ વર્ષની સજા રૂ. સાડા સાત લાખનું વળતર ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટ તા. ૧૫ : રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક પોશ એરિયામાં પોતાની સગીર મંગેતર ઉપર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દઇને વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ભાવિ પતિએ ના પાડી દેતા પોતાની મંગેતરને આપઘાત કરવાની ફરજ પાડવા અંગે પકડાયેલ ભાવિ પતિ એવા આરોપી મનિષ મનુસ્વામી નાયર (મકાતી) સામેનો કેસ ચાલી જતા અધિક સેસન્સ જજ શ્રી કે.ડી.દવેએ આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાવનો ભોગ બનનાર ૧૭ વર્ષીય સગીરા સાથે કાલાવાડ રોડ ઉપર કોટેચા ચોક પાસે આવેલ સવાણી હોલ પાસે રહેતા આરોપી મનિષ મનુસ્વામી નાયર (મકાતી)ની સગાઇ થયેલ હતી.

સગાઇ થયા બાદ આરોપીએ પોતાની ઘરે કામ કરવા વાળુ કોઇ નથી તેમ કહીને સગીરા માતા-પિતાની સંમતિથી ઘરે બોલાવેલ હતી અને સગીરા થોડા દિવસ આરોપીના ઘરે રોકાતા વારંવાર શારીરિક સંબંધ બાંધવાને કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. બાદમાં આરોપીએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા સગીરાએ શરીર ઉપર કેરોસીન છાંટીને સળગી જઇને આપઘાત કરી લીધો હતો.

આ અંગે પોલીસે આરોપી સામે આઇ.પી.સી. ૩૭૬ (બળાત્કાર), ૩૨૩ તેમજ ૩૦૬ આપઘાતની ફરજ પાડવા ઉપરાંત પોકસો એકટની કલમ ૪ અને ૬ મુજબનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ચાલતા સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજૂઆત કરેલ કે, ભોગ બનનાર સગીરાનું લીવીંગ સર્ટીફીકેટ તેના પિતાએ રજૂ કરેલ છે તે જોતા બનાવ સમયે તેણી સગીર હોવાનું ખુલ્લે છે. આરોપીએ ભોગ બનનારને પોતાના ઘરે બોલાવી વારંવાર દુષ્કર્મ આચરેલ છે. જેથી સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો. આ અંગેના ડી.એન.એ. ટેસ્ટમાં પણ આરોપી જ ગર્ભમાં રહેલ બાળકનો બાયોલોજીકલ પિતા હોવાનું બહાર આવેલ છે. સગીરાના મરણોતર નિવેદન અંગે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને સામેલ નિવેદનમાં પણ ફરિયાદ અને ફરિયાદ પક્ષના કેસને પુરતું સમર્થન મળતું હોય આવા સમાજ વિરોધી ગંભીર ગુનામાં આરોપી વિરૂધ્ધનો કેસ પ્રથમ દર્શનીય રીતે ફલિત થતા હોય આરોપીને ઉપરોકત ગુનામાં મહત્તમ સજા કરવી જોઇએ.

કોર્ટે ઉપરોકત રજૂઆત ધ્યાને લઇને આરોપીને ૧૦ વર્ષની સજા ફરમાવીને ઠરાવ્યું હતું કે, આરોપી મનીષ મનુસ્વામી નાયર રહે. સવાણી હોલ પાસે રાજકોટવાળાને સી.આર.પી.સી. કલમ ૨૩૫(ર) અન્વયે તેમની વિરૂધ્ધના ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ તથા જાતિય ગુન્હા સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ની કલમ ૪ અને ૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૫૦,૦૦૦ દંડ ફરમાવેલ છે. જો આરોપી દંડની રકમ ન ભરપાઇ ન કરે તો વધુ ૬ માસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ હતો.

જ્યારે આરોપી મનીષભાઇ મનુસ્વામીને તેમની વિરૂધ્ધના ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ર્ષની સખત કેદ તથા રૂ. ૨૫,૦૦૦ના દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો.

ભોગ બનનારના માતા-પિતા (વારસો)ને કુલ ૭૫૦૦૦૦ વળતર પેટે ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે અને તે માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટને ભોગ બનનારના માતા-પિતાની યોગ્ય ખરાઇ કરી દિવસ ૩૦માં એકાઉન્ટમાં ચેકથી ચુકવી આપવા તેમજ આરોપીને કરવામાં આવેલ દંડની રકમ જો આરોપી દ્વારા અદાલતમાં ભરવામાં આવે તો તમામ રકમ ભોગ બનનારના માતા-પિતાને જરૂરી ખરાઇ કરી વળતર તરીકે સી.આર.પી.સી. કલમ ૩૫૭ અનુસાર ચુકવી આપી. તેમ ઠરાવ્યું હતું. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. બિનલબેન રવેશીયા રોકાયા હતા.

(1:15 pm IST)