રાજકોટ
News of Wednesday, 15th September 2021

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઃ વોર્ડ ફરી ચાલુ

કોરોનાના કેસ ઝીરો થઇ જતાં નવા બિલ્ડીંગના તમામ કોરોના વોર્ડ બંધ કરાયા હતાં: પહેલો માળ ચાલુ કરી તબિબ, નર્સિંગ, પ્યુન સહિતના સ્ટાફની નિમણુંક

રાજકોટ તા. ૧૫: કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ એ નક્કી નથી થઇ શકયું. આમ છતાં વહીવટીતંત્રો જો ત્રીજી લહેર આવે તો શું પગલા લેવા? તે માટેની તમામ તૈયારી કરીને બેઠા છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઝીરો થઇ ગયા હતાં. આ કારણે સિવિલ હોસ્પિટલમાં પાંચ માળમાં શરૂ કરાયેલા તમામ કોરોના વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતાં અને અહિ ફરજ બજાવતાં સ્ટાફને પણ મુળ જગ્યાએ પરત મુકવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાના કેસ ફરીથી સિવિલ હોસ્પિટલમાં આવવાની શરૂઆત થતાં સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં શરૂ કરાયેલા કોરોના વિભાગમાં એક માળ ફરીથી કોરોના માટે શરૂ કરવામાં આવ્યો છે. આજે બે પોઝિટિવ દર્દીને અહિ દાખલ પણ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

કોરોનાની લહેર આવી અને પહેલો કેસ રાજકોટમાં નોંધાયો હતો ત્યારથી જ સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયુ હતું. સિવિલ હોસ્પિટલમાં નવા સુપરસ્પેશિયાલિસ્ટ બિલ્ડીંગમાં અલગ અલગ વિભાગો શરૂ કરવાના હતાં. પરંતુ કોરોનાએ દેખા દેતાં આ હોસ્પિટલના તમામ માળને કોરોના વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા હતાં. એ પછી સતત દર્દીઓ વધતા ગયા હતાં અને હોસ્પિટલનું તંત્ર સતત દોઢ વર્ષ સુધી દર્દીઓને સાજા કરવા ઝઝુમતું રહ્યું હતું. અનેક પ્રયાસો છતાં કેટલાક દર્દીઓના જીવ બચી શકાવવામાં તંત્રવાહકોને સફળતા મળી નહોતી એ દુઃખદ બાબત હતી. કોરોના પછી મ્યુકરમાયકોસીસના રોગે પણ રાજકોટમાં મોટા પ્રમાણમાં ઉપાડો લેતાં તેના દર્દીઓ માટે પણ ખાસ વોર્ડ ઉભો કરવો પડ્યો હતો અને મ્યુકરના સોૈથી વધુ ઓપરેશનનો રેકોર્ડ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે બનાવ્યો હતો.

વેકસીનેશન સતત વધતાં અને લોકો વધુને વધુ જાગૃત બનતાં રાજકોટ શહેરમાંથી કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી હતી. એકલ દોકલ કેસ સિવાય અને શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓ સિવાય કેસ આવવાના બંધ થઇ જતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલના તંત્રવાહકોએ નિરાંતનો દમ લીધો હતો. સિવિલમાં જે પાંચ માળ કોરોનાના દર્દીઓ માટે ચાલુ કરાયા હતાં એ ખાલી થઇ ગયા હતાં. એક તબક્કે કોરોનાના દર્દીઓ આવતા જ બંધ થઇ જતાં આ બિલ્ડીંગના કોરોના વોર્ડ લગભગ બંધ કરી દેવામા આવ્યા હતાં અને અહિ ફરજ બજાવતાં તબિબો, નર્સિંગ સ્ટાફ તથા બીજા સ્ટાફને તેની મુળ જગ્યાએ મુકવામાં આવ્યા હતાં.

પોઝિટિવ દર્દીઓ નિલ થઇ ગયા હોઇ નવા બિલ્ડીંગના કોરોના વોર્ડ લગભગ બંધ થઇ ગયા હતાં. પરંતુ બે દિવસથી ફરી આ બિલ્ડીંગમાં પહેલા માળે કોરોના વોર્ડ ફરી શરૂ થયો છે. બે પોઝિટિવ દર્દીઓ જાહેર થતાં તેને આ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આશા રાખીએ કે કેસ હવે વધે નહિ અને દાખલ થયેલા આ દર્દીઓ ઝડપથી નેગેટિવ રિપોર્ટ સાથે ઘરે પરત ફરે. તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી, આરએમઓ ડો. એમ. સી. ચાવડા અને ટીમો ફરીથી એલર્ટ બન્યા છે. જો કે તબિબોને આશા છે કે વધુ કેસ હવે આવશે નહિ અને જે દાખલ થયા છે તે ઝડપથી રિકવર થઇ જશે.

(3:20 pm IST)