રાજકોટ
News of Wednesday, 15th September 2021

કાર ૧૦ ફુટ નીચે ખાબકતા જયેશભાઇ દવે અને પરાગભાઇ પંડયાનું મોત

રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગર ટાઉન પ્લાનીંગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીના મોતથી અરેરાટીઃ મૃતક ૩૦મીએ નિવૃત થવાના હતાઃ ચોટીલા નજીક ઢેઢુકી અને હડાળા ગામ વચ્ચે શ્વાનને બચાવવા જતા અકસ્માત સર્જાયો

રાજકોટ, તા., ૧૫: રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીકના ઢેઢુકી અને હડાળા ગામ વચ્ચે કાર ૧૦ ફુટ નીચે નાલામાં ખાબકતા બે વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ સુરેન્દ્રનગર ટાઉન પ્લાનીંગ વિભાગમાં ફરજ બજાવતા અને રાજકોટ રહેતા જયેશભાઇ યોગેન્દ્રભાઇ દવે, પરાગભાઇ જયંતીભાઇ પંડયા, રમેશભાઇ કોરડીયા અને ધીરજલાલ લાડાણી ચોટીલાના ઢેઢુકી અને હડાળા ગામ વચ્ચેથી પોતાની કારમાં પસાર થઇ રહયા હતા ત્યારે શ્વાનને બચાવવા જતા કાર ૧૦ ફુટ નીચે નાલામાં ખાબકી હતી.

આ અકસ્માતમાં ઘટના સ્થળે જ જયેશભાઇ યોગેન્દ્રભાઇ દવે અને પરાગભાઇ જયંતીભાઇ પંડયાના મોત નિપજયા હતા. જયારે રમેશભાઇ કોરડીયા અને ધીરજલાલ લાડાણીને ઇજા થતા સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મૃતક જયેશભાઇ યોગેન્દ્રભાઇ દવે ૩૦ મી સપ્ટેમ્બરે નિવૃત થવાના હતા. તે પહેલા જ તેમનું મોત થતા પરીવારમાં ઘેરો શોક છવાઇ ગયો છે. તેઓ સુરેન્દ્રનગર ટાઉન પ્લાનીંગ વિભાગમાં ફરજ બજાવતા હોય દરરોજ અપડાઉન કરતા હતા.

મૃતકોના મૃતદેહોનું ચોટીલા હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

મૃતક જયેશભાઇ દવેના ભાઇ ગૌરાંગભાઇ દવે એસટીના નિવૃત કર્મચારી છે અને એસટી યુનિયનના નેતા રહી ચુકયા છે. તેઓએ ચોટીલા એસટી ડેપોમાં જાણ કરતા એસટી સ્ટાફ તથા કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

(3:18 pm IST)