રાજકોટ
News of Wednesday, 15th September 2021

કોરોના અંતર્ગત કર્ફયુનું જાહેરનામુ લંબાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

ગણેશ ઉત્સવને કારણે ૧૯મી સુધી કર્ફયુનો સમય રાતના ૧૨થી ૬: ૨૦મીથી રાતના ૧૧ થી ૬: ગણપતિના પંડાલોમાં, વિસર્જન વખતે નિયમોનું પાલન કરવા અનુરોધ

રાજકોટ તા. ૧૫: કોરોના મહામારી અંતર્ગત લાગુ પાડવામાં આવેલા કર્ફયુનું જાહેરનામુ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આગામી ૨૫/૯ સુધી લંબાવ્યું છે. તે મુજબ કર્ફયુનો સમય રાત્રીના ૧૧ થી સવારના ૬ સુધી રહેશે. જો કે હાલમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો હોઇ કર્ફયુના સમયમાં છુટછાટ આપવામાં આવી છે. તે મુજબ ૧૯/૯ સુધી કર્ફયુ રાત્રીના ૧૨:૦૦ વાગ્યાથી લાગુ કરવામાં આવશે.

પોલીસ કમિશનરે જાહેરનામામાં જણાવ્યું છે કે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં  પંડાલ-મંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ હેતુથી ગોળ કુંડાળા કરી દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. આવા મહોત્સવમાં માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. કોઇ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ. ગણેશ વિસર્જન વખતે વધુમાં વધુ ૧૫ વ્યકિતઓએ એક જ વાહન મારફત વિસર્જન કરવા જવાનું રહેશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલા ગણેશજીનું ઘરે જ વિસર્જન થાય તે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. કુંડ ખાતે ભીડ એકઠી કરી શકાશે નહિ. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણવાયું છે.

(3:19 pm IST)