રાજકોટ
News of Wednesday, 15th September 2021

શહેરમાં ૧૨ હજાર ચો.મી. રસ્તા ધોવાયા : ૧.૨૫ કરોડની નુકસાની

રસ્તાઓનું યુધ્ધના ધોરણે રીપેરીંગ શરૂ કરાવતા પ્રદિપ ડવ : ૬ નાલા - બ્રીજ - બેઠાપુલ ધોવાયા, ૪૨ સ્થળે ભુગર્ભ ગટરોને નુકસાન, ૬ બગીચાને નુકસાન

રાજકોટ તા. ૧૫ : ભારે વરસાદથી શહેરના ૧૨,૫૦૦ ચો.મી. રસ્તાઓ સહિત નાલા - બ્રીજ - બેઠાપુલ વગેરેને કુલ ૧.૨૫ કરોડનું નુકસાન થયાનું મેયર પ્રદિપ ડવે કરાવેલા સર્વેમાં ખુલવા પામ્યું છે. આ દરમિયાન સૌ પ્રથમ રસ્તાઓના ગાબડાઓનું સમારકામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. તેમ મેયરશ્રીએ જણાવ્યું હતું.

મેયરશ્રીના જણાવ્યા મુજબ ત્રણેય ઝોનમાં જે જે રસ્તાઓમાં નુકશાન થયેલ છે તે પૈકી સૌ પ્રથમ મુખ્ય માર્ગોને મરામત કરવા અને ત્યારબાદ સોસાયટીઓના આંતરિક રસ્તાઓ મરામત કરવા જણાવેલ. જેના અનુસંધાને ત્રણેય ઝોનમાં રસ્તા જેવા કે, પુનીતનગર ૮૦ ફુટ રોડ, વોર્ડ નં.૧૧ના જુદા જુદા માર્ગો, રૈયા રોડ, સ્પીડવેલ રોડ થી જેટકો ચોકડીવાળો રોડ, મોટી ટાંકી ચોક, નંદા હોલ, નાલંદા કોઠારીયા રોડ, કુવાડવા રોડ, સ્વાતિ પાર્ક, અમુક સર્કલ, મેહુલનગર, વિવેકાનંદનગર, ૮૦ ફુટ રોડ, આજીડેમ ચોકડી, સોમનાથ સોસાયટી વિગેરે રસ્તાઓના મરામતની કામગીરી શરૂ થઇ ગયેલ છે. તેમજ વરસાદના કારણે ત્રણેય ઝોનમાં તમામ રસ્તાઓમાં મેટલ, પેચ, પેવિંગ બ્લોક, વિગેરે માટે આશરે રૂ.૧.૨૫ કરોડનું ખર્ચ થશે. શહેરમાં સફાઈની કામગીરી પણ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સુચના આપેલ. ઉપરાંત આજી નદીમાં પુર આવતા આસ્થાના પ્રતિક રામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં તથા આજુબાજુ એકઠી થયેલ ગંદકી ઝાડી-ઝાખરા વિગેરેની સફાઈ પણ ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે.

કયા કેટલું નુકસાન ?

દરમિયાન નુકસાનીના સર્વે મુજબ ૬ નાળા, કલવર્ટ તથા બ્રિજને નુકસાન, ૧૧ વૃક્ષો તૂટી પડયા, ૫ સ્થળે મકાનો, કમ્પાઉન્ડ વોલ વગેરે તૂટી ગઇ છે. ૪૨ સ્થળે ભૂગર્ભ ગટર - સ્ટોર્મ વોટર ડ્રેઇનમાં નુકસાન છે. ૨ સ્થળે પાણીની લાઇનો - પમ્પીંગ મશીનરીને નુકસાની છે. ૩ સ્થળે સ્ટ્રીટ લાઇટોમાં નુકસાન થયું છે અને ૬ સ્થળે બગીચાઓમાં નાની - મોટી નુકસાની થઇ છે.

(3:20 pm IST)