રાજકોટ
News of Wednesday, 15th September 2021

સી.એ.માં રાજકોટ ફસ્ટ ઋષભ શાહ કહે છે ગોલ નકકી કર્યા પછી મંડી પડો એટલે સફળતા મળે જ

પિતા રાકેશભાઇ શાહ અને માતા પ્રીતિબેન શાહ એડવોકેટ અને ટેક્ષ કન્સલ્ટન્ટ : કાકા સી.એ. છે : છેલ્લા છ મહીના કરેલી મહેનત રંગ લાવી હોવાનો રૂષભને આત્મ સંતોષ : આર. બી. શાહ એન્ડ કંપનીને આગળ વધારવાનો ધ્યેય

રાજકોટ તા. ૧૫ : તાજેતરમાં સી.એ.ના જાહેર થયેલ પરિણામમાં રાજકોટના રૂષભ રાકેશભાઇ શાહએ ૫૬૪ ગુણ સાથે ઇન્ડીયા લેવલે ૨૨ મો અને રાજકોટ સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવી ડંકો વગાડી દીધો છે.

'અકિલા' સાથેની મુલાકાતમાં ઋષભે જણાવ્યુ હતુ કે ત્રણ વર્ષ આર્ટીકલ શીફટ પૂર્ણ કર્યા પછી છ મહીના જે લીવ મળે છે તેમાં મેં દીલ દઇને તૈયારી કરી હતી. આ તેનું જ મીઠુ પરિણામ છે. કોઇપણ વ્યકિત મનથી એક વખત ગોલ નકકી કરે અને પછી તેને સિધ્ધ કરવા મંડી પડે તો ચોકકસ સફળતા મળે જ છે.

ઋષભ કહે છે મારા કાકા પણ સી.એ. છે અને મારા પિતાશ્રી રાકેશભાઇ શાહ એડવોકેટ એન્ડ ટેકસ કન્સલ્ટન્ટ છે. માતા પ્રીતિબેન પણ એડવોકેટ એન્ડ ટેકસ કન્સલ્ટન્ટ છે. એટલે પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન જ મેં નકકી કરી લીધુ હતુ કે મારે સી.એ. થવુ છે. આજે મારૂ સ્વપ્ન સાકાર થયુ  છે. આગળ જતા સી.એ. ક્ષેત્રે જ સારામાં સારી પ્રેકટીસ કરી ઇન્ડીયા લેવલે નામના મેળવવાની ઇચ્છા છે.

રાકેશભાઇ શાહ (મો.૯૪૨૬૦ ૪૫૭૮૭)એ આ તકે જણાવ્યુ હતુ કે ઋષભ એકદમ સરળ સ્વભાવનો છે. હંમેશા આનંદમાં રહે છે. અભ્યાસ માટે અમારે તેને સલાહ સુચન દેવાની જરૂર પડી નથી. તેની મેળાયે જ તે તૈયારી કરતો. હા ચોકકસ તેની તૈયારી દરમિયાન તબીયતને અસર ન થાય તે માટે ખાનપાનની કાળજી તેના મમ્મી જરૂર લેતા. આમ તો ઋષભ પહેલેથી જ અભ્યાસમાં હોંશીયાર હતો. સીપીટીમાં પણ રાજકોટ ફસ્ટ આવેલ અને ઇન્ટર મીડીયેટમાં પણ રાજકોટ ફસ્ટ આવેલ. અત્યારે સી.એ. ફાઈનલમાં પણ રાજકોટ ફસ્ટ આવી તેણે હેટ્રીક સર્જી દીધી છે.એમ તો ધો.૧૨ માં પણ ૯૭% ટકા જેવુ ઉજવળ પરિણામ મેળવ્યુ હતુ.

અભ્યાસ સીવાય અન્ય શું શોખ? તેવા સવાલના જવાબમાં ઋષભે રમત ગમત અને ટ્રાવેલીંગનો શોખ હોવાનું જણાવેલ. આગળ જઇને પિતાની આર. બી. શાહ એન્ડ કંપનીને ખુબ આગળ વધારવાની ઇચ્છા પણ ઋષભ શાહ (મો.૯૪૨૯૭ ૧૫૨૨૯) એ વ્યકત કરી હતી. તસ્વીરમાં મમ્મી પ્રીતિબેન અને પપ્પા રાકેશભાઇ સાથે ઋષભ શાહ નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

સી.એ. ફાઇનલમાં રાજકોટ સેન્ટર ફસ્ટ આવેલ ઋષભના મમ્મી પ્રીતિબહેને આ તકે જણાવ્યુ હતુ કે તેને હીંચકે હીંચકવાનો બહુ શોખ છે. આમ તો અભ્યાસની તમામ તૈયારી તેણે હીંચકે હીંચકતા હીંચકતા જ કરી હતી. દરરોજ ૭ થી ૮ કલાક તે હીંચકા પર જ તૈયારી કરતો. અમારા ઘરમાં અલગ અલગ જગ્યાએ ૭ હીંચકા છે. એટલે કહી શકાય કે એકદમ હળવાશભર્યા વાતાવરણમાં સી.એ.ની તૈયારી કરી ઋષભે ધારી સફળતા હાંસલ કરી બતાવી છે 

(3:34 pm IST)