રાજકોટ
News of Saturday, 16th January 2021

જય...હો...: રાજકોટમાં રસીકરણના શ્રી ગણેશઃ અર્ધા દિ'માં ૪૦૦થી વધુને લાભ

પીડીયુ મેડીકલ કોલેજ-શ્‍યામનગર આરોગ્‍ય કેન્‍દ્ર-વોકહાર્ટ અને સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ-પદ્મકુંવરબા હોસ્‍પીટલ-કોઠારીયા આરોગ્‍ય કેન્‍દ્ર એમ છ સ્‍થળોએ કોરોના વેકસીનેશનઃ સૌ પ્રથમ ડોકટરો-નર્સીંગ-સ્‍ટાફને અપાઇ રસીઃ દરરોજ ૧૦૦ને અપાશેઃ પ્રથમ ત્રણ કલાકમાં કોઇને રસીની આડ અસર જણાઇ નહી

રાજકોટમાં કોરોનાં રસીકરણનો આનંદ - ઉલ્લાસ સાથે  પ્રારંભ થયો તે વખતની તસ્‍વીરમાં પીડીયુ મેડીકલ કોલેજ ખાતે યોજાયેલ રસીકરણ કેમ્‍પમાં નર્સીંગ સ્‍ટાફ તેમજ જાણીતા તબીબ દંપતી ડો. અમિત હાપાણી અને ડો. બબીતા હાપાણીએ રસી મુકાવતાં તેઓને રસીકરણ બેઝ લગાવાયો તે નજરે પડે છે. આ તકે મ.ન.પા.નાં નાયબ આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડે વ્‍યવસ્‍થા સંભાળી હતી. તે વખતની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬ :.. સમગ્ર દેશમાં આજથી કોરોનાં વેકસીનેશનનો પ્રારંભ થયો છે. તેની સાથે રાજકોટમાં પણ પીડીયુ મેડીકલ કોલેજ સહિત ૬ સ્‍થળોએ રસીકરણનો પ્રારંભ  થયો છે. જેમાં જાણીતા તબીબો ઉપરાંત નર્સીંગ સ્‍ટાફ સહિતનાઓએ રસી મૂકાવી હતી. જેમાં બપોરે ૧ર વાગ્‍યા સુધીમાં બે કલાકમાં કોઇને આડ અસર જણાયેલ નહી અને બપોરે ર વાગ્‍યા સુધીમાં ૬ કેન્‍દ્રોનાં મળી કુલ ૪૦૦ થી વધુ લોકોને રસી મુકાઇ હતી.

આ અંગે મ.ન.પા.નાં આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડનાં જણાવ્‍યા મુજબ આજે સવારે ૧૦ વાગ્‍યાથી પીડીયુ મેડીકલ કોલેજ (સીવીલ હોસ્‍પીટલ) ત્‍થા પદ્મકુંવરબા હોસ્‍પીટલ, શ્‍યામનગર આરોગ્‍ય કેન્‍દ્ર, વોકહાર્ટ હોસ્‍પીટલ, સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ એમ છ જગ્‍યાએ કોરોનાં વેકસીન મૂકવાનો પ્રારંભ વિવિધ મહાનુભાવોની ઉપસ્‍થીતીમાં થયો હતો.

જેમાં સરકારની ગાઇડલાઇન મુજબ પીડીયુ મેડીકલ કોલેજનાં અધિક્ષક ડો. પંકજ બુચને રસી મુકવામાં આવેલ ત્‍યારબાદ શહેરનાં જાણીતા તબીબો અને સીવીલ હોસ્‍પીટલનાં નર્સીંગ સ્‍ટાફ, અધિકારીઓ, સ્‍વીપર ત્‍થા વોર્ડ બોયને રસી મુકવામાં આવેલ.

ડો. રાઠોડનાં જણાવ્‍યા મુજબ બપોરે ર વાગ્‍યા સુધીમાં એક કેન્‍દ્રમાં ૭૦ જેટલાં લોકોને વેકસીન મૂકાઇ જશે. એ હીસાબે ૬ કેન્‍દ્રમાં મળી ૪૦૦ થી વધુ લોકોને વેકસીનેશન થઇ જશે.

ડો. રાઠોડનાં જણાવ્‍યા મુજબ હવે આજ પ્રકારે દરરોજ કેન્‍દ્ર દિઠ ૧૦૦ વ્‍યકિતને રસી અપાશે.

રસી આપ્‍યા બાદ દરેક લાભાર્થીને ૧પ થી ર૦ મીનીટ ઓબ્‍ઝર્વેશન હેઠળ રખાય છે. પછી તેઓને રેસ્‍ટ રૂમમાં આરામ માટે મોકલાય છે. અને પછી લાભાર્થીને તપાસીને કોઇ આડ અસર ન જણાય તો ઘરે જવા દેવામાં આવે છે.

આમ આજથી શહેરમાં રસીકરણનો પ્રારંભ થતાં શહેરીજનોમાં હાશકારો થયો હતો.

(3:21 pm IST)