રાજકોટ
News of Saturday, 16th January 2021

રાજકોટ સ્થા.જૈન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી અરિહંતશરણ પામ્યા

વાંકાનેર પાંજરાપોળના પ્રમુખ સહિત અનેકવિધ સંસ્થાઓમાં અમુલ્ય યોગદાન આપ્યું, સમગ્ર જૈન સમાજમાં ઘેરાશોકની લાગણીઃ વિજયભાઈએ પણ શોક વ્યકત કર્યો

રાજકોટ, તા.૧૬: ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષણ સમિતિના સદ્દસ્ય,રાજકોટ સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ,રાજકોટ સ્થા. જૈન બોર્ડીંગના પ્રમુખ,વાંકાનેર પાંજરાપોળના પ્રમુખ,વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી તથા વાંકાનેર સિરામીક એસોસિએશનના પૂર્વપ્રમુખ ધર્માનુરાગી ઈશ્વરભાઈ દોશી (ઉં. વ. ૭૯) તા. ૧૫ના રાજકોટ ખાતે અરિહંત શરણ પામતા જૈન સમાજમાં ઘેરો શોક છવાયો છે. જૈન સમાજ - સંસ્થાઓમાં આપેલું ઈશ્વરભાઈ દોશીનુ યોગદાન ચિરઃ સ્મરણીય રહેશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ દુઃખ વ્યકત કરી શોકસંદેશો પાઠવ્યો હતો.

રાજકોટ સ્થા.જૈન સમાજમાં ચાર - ચાર દાયકાઓ સુધી તેઓએ અજોડ સેવા પ્રદાન કરેલ.છેલ્લા દોઢ દાયકાથી તેઓ સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ તરીકે સેવા આપતા હતાં.રાજકોટ સ્થા.જૈન બોર્ડીંગમાં વર્ષોથી તેઓ પ્રમુખ તરીકે કાબિલેતારીફ સેવા આપી વિદ્યાર્થીઓને મદદરૂપ બનતા.તા. ૭/૩/૧૯૩૯ ના રોજ જેતપુર મુકામે તેઓનો જન્મ થયેલ.તેઓએ વાંકાનેરમાં ઈન્ડિયન સિરામીક ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી દેશ - વિદેશમાં સિરામીક ક્ષેત્રે નામના મેળવેલ.વાકાનેર પાંજરાપોળોમાં પ્રમુખ તરીકે તન,મન,ધનથી સહાયરૂપ બનતા.માત્ર વાંકાનેર પાંજરાપોળ જ નહીં પરંતુ રાજકોટ, વડીયા સહિત અનેક ગૌશાળા - પાંજરાપોળોમાં તેઓનું સમયાંતરે અનુદાન રહેતું. તાજેતરમાં તેઓની મેરેજ એનીવસૅરી અવસરે જીવદયા, માનવતાલક્ષી અનેક સદ્દકાર્યો કરેલ.અનેક જરૂરિયાતમંદ પરિવારોને શૈક્ષણિક તેમજ મેડિકલ સહાય કરતાં. એનિમલ હેલ્પ લાઈન,કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,થેલેસેમિક પીડિત બાળકોને સહાય સહિત અનેક સેવાભાવી સંસ્થાઓમાં તેઓનું યોગદાન રહેતું.

સામાજીક, માનવતા,સાધર્મિક સહાય,જીવદયા વગેરે સદ્દકાર્યો સાથે - સાથે તેઓ તેઓના આત્માને કદી ભૂલતા નહીં. નિત્ય સામાયિકની આરાધના કરતાં. મોટા સંઘમાં પ્રવચનના સમયે તેઓની અચૂક ઉપસ્થિતિ હોય.ગોંડલ સં-દાય શ્રમણ સંરક્ષક સમિતના તેઓ સદ્દસ્ય હતાં. માત્ર ગોંડલ સંપ્રદાય જ નહીં પરંતુ દરેક સંપ્રદાયના પૂ.સંત - સતિજીઓ સાથે તેઓને આત્મિયતાભર્યા સંબંધો હતાં. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે થોડા દિવસ પૂર્વે તેઓ પૂ.ગુરૂદેવ રાજેશમુનિ મ.સા.ના માસક્ષમણ તપની શાતા પૂછવા આવેલ અને એક કલાક સુધી ધમૅ ચચૉ કરેલ.

ધર્માનુરાગી જયોતિબેન દરેક ધાર્મિક - સમાજીક ,સેવાકીય કાર્યોમાં સાથે રહી આદશૅ ધર્મપત્ની તરીકે બખૂબી સાથ - સહકાર આપતા.તેઓના સુપુત્ર ભાવિનભાઈ, પૂત્રવધુ અ.સૌ. સારીકાબેન, સુપુત્રી અ.સૌ.ફાલ્ગુનીબેન હિતેષભાઈ ચોટાઈ, સુપુત્રી ભાવનાબેન દોશી, પૌત્ર ચિં. સિધ્ધાર્થ, પૌત્રી ચિં. દ્રીવતી,ચિં.વિરાલી સહિત અનેક પરિવારજનોને વિલાપ કરતાં છોડી ગયા છે. તેઓના પરલોકગમનથી જૈન સમાજ સહિત અનેક સંસ્થાઓને બહુ મોટી ખોટ પડી છે.

ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, સુરેશભાઈ કામદાર, દિલીપભાઈ પારેખ તથા જૈન સમાજના અગ્રણી રજનીભાઈ બાવીસી, હરેશભાઈ વોરા, પ્રતાપભાઈ વોરા, સુશીલભાઈ ગોડા,પરેશભાઈ સંઘાણી, ઉપેનભાઈ મોદી, ડોલરભાઈ કોઠારી, શિરીષભાઈ બાટવીયા, મનોજ ડેલીવાળાએ શ્રધ્ધાંજલી પાઠવતા કહ્યું કે ઈશ્વરભાઈ દોશીના અવસાનથી જૈન સમાજને જ નહીં પરંતુ અનેક સંસ્થાઓને ન પૂરી શકાય તેવી બહુ મોટી ખોટ પડી છે.

હાલના સંજોગોને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ભાવિનભાઈ દોશી મો.૯૮૨૫૦ ૭૭૮૩૮, ફાલ્ગુનીબેન ચોટાઈ મો.૯૯૭૮૫ ૭૭૧૩૯, ભાવનાબેન દોશી મો.૯૪૨૬૫ ૩૩૪૪૬, હિતેષભાઈ ચોટાઈ મો.૯૮૨૫૦ ૭૭૧૩૯

(2:53 pm IST)