રાજકોટ
News of Saturday, 16th January 2021

એસટીના માધાપર ડેપો અંગે કલેકટર જમીન ફાળવે પછી કામ શરૂ થશેઃ પ્‍લેટ ફોર્મ-ડીઝાઇન અમદાવાદ વડી કચેરી ફાઇનલ કરશે

ભાવનગર રોડ પરના ડેપોનું કામ હજુ શરૂ કરાયું નથી : હાલ ટ્રાફીકમાં વધારો રોજની ૩પ લાખની આવકઃ જોકે કલેકટર તંત્ર એવું કહે છે કે અમે અગાઉથી જમીન ઘણા સમય પહેલા ફાળવી છે !!

રાજકોટ તા. ૧૬ : રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને વધુ એક ભેટ તાજેતરમાં આપી છે, માધાપર ચોકડી પાસે ૬૮૦૦ ચો.મી.જગ્‍યા ઉપર એસટીનો અદ્યતન નવો માધાપર બસ ડેપો બનાવવા અંગેની જાહેરાત કરી હતી.

દરમિયાન આજે આ બાબતે રાજકોટ એસટીના ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે ‘‘અકિલા'' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું કે, માધાપર ચોકડી પાસે માધાપર ડેપો બનાવવા અંગે જાહેરાત થઇ પરંતુ કલેકટર તંત્રે હજુ ૧ રૂા.ના ટોકન ભાવે હજુ જમીન ફાળવી નથી, કલેકટર તંત્ર જમીન ફાળવે પછી કામ શરૂ થશે.

શ્રી યોગેશ પટેલે જણાવેલ કે ડેપોમાં કેટલા પ્‍લેટ ફોર્મ-કયા પ્રકારની સુવિધા-વિગેરે તમામ ડીઝાઇન અમદાવાદ વડી કચેરી ફાઇનલ કરે પછી કોન્‍ટ્રાકટ અપાશે, આ નવા ડેપો ઉપરથી જામનગર-મોરબી-કચ્‍છ-ભુજ-જુનાગઢ રૂટની બસો ઉપલબ્‍ધ બનશે.

ભાવનગર રોડ ઉપર ૮૦ ફુટના ખૂણે બનનારા અન્‍ય નવા ડેપો અંગે તેમણે જણાવેલ કે એ જમીન આપણી પાસે છે, પરંતુ તેનું કામ હજુ શરૂ કરાયું નથી, હાલ માધાપર ડેપો અંગે પહેલા કાર્યવાહી થશે.

ટ્રાફીક અંગે કહ્યું કે હાલ ટ્રાફીક સારો છે, ઉતરાયણ પણ સારી ગઇ, આવક પણ વધી છે, હાલ ડિવીઝનની રોજની આવક ૩પ લાખ ઉપર પહોંચી ગઇ છે.

દરમિયાન માધાપર ડેપોની જમીન અંગે કલેકટર તંત્રના સૂત્રોએ એવું જણાવેલ કે આ જમીનનો ઘણા સમય પહેલા રાજકોટ એસટી ડીવીઝનને ફાળવી દેવાઇ છે, લગભગ કબજો પણ એસટી પાસે છે, હવે ૧ રૂા. ટોકન દર સહિતની બાબતે ઓર્ડર કરવાનો બાકી છ.ે

(3:24 pm IST)