રાજકોટ
News of Saturday, 16th January 2021

રાજકોટ-સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડો. સમ્રાટ બુધ્ધની દુઃખદ વિદાયઃ સાંજે અંતિમયાત્રા

રાજકોટ તા. ૧૬: રાજકોટ-સૌરાષ્ટ્રના અનુભવી ઓર્થોપેડિક સર્જન ડો. સમ્રાટ બુધ્ધ (ઉ.વ.૫૧)એ આજે આ દુનિયામાંથી ઓચિંતી વિદાય લઇ લીધી છે. આ સમાચારથી સગા સબંધીઓ અને તબિબી જગત જ નહિ પરંતુ તેમના બહોળા મિત્ર વર્તુળ અને રાજકોટવાસીઓએ શોકની લાગણી અનુભવી છે.

મળતી માહિતી મુજબ ડો. સમ્રાટ બુધ્ધ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતાં. જ્યાં તેમનું નિધન થયું હતું. આજે સાંજે ૫:૩૦ કલાકે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન ૫-એ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાતેથી નિકળશે. બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદમાંથી એમબીબીએસ અને ત્યારબાદ એમ.એસ. ઓર્થોની ડિગ્રી મેળવી છેલ્લા ૨૮ વર્ષથી તેઓ એમ.એમ.એચ. હોસ્પિટલ મહુવા, રાજકોટ ખાતે ધકાણ, સ્ટર્લિંગ, અને બાદમાં બે વર્ષથી સહયોગ હોસ્પિટલ મવડી ચોકડી સાથે જોડાયેલા હતાં. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે એક જ સર્જરી દરમિયાન સંપુર્ણ ગોઠણ અને થાપા બદલવાનું ઓપરેશન કરાવની સિધ્ધી તેઓએ મેળવી હતી. તેઓ ઓર્થોપેડિક ટ્રોમા અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઓમાં મોખરાનું સ્થાન ધરાવતાં હતાં.

(4:05 pm IST)